રાજકોટ – ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- રાજકોટ દ્વારા “ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ- ૨૦૦૫” અંગે કાયદાકીય માર્ગદર્શન આપતો સેમિનાર શાંતિનિકેતન કોલેજ ખાતે યોજાયો હતો.
આ તકે દહેજ પ્રતિબંધક અધિકારી અને સંરક્ષણ અધિકારી કિરણબેન મોરિયાણીએ જણાવ્યું હતું કે, મહિલાઓ પર થતી હિંસા દેશના આર્થિક, સામાજિક, માનસિક વિકાસ પર નકારાત્મક અસરો ઉભી કરે છે. “ઘરેલુ હિંસા અધિનિયમ- ૨૦૦૫” અન્વયે મહિલાઓને હિંસામુક્ત જીવન જીવવાના મહિલાઓના બંધારણીય અધિકારને પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર અનેક કામગીરી કરી રહી છે.
- Advertisement -
સખી વન સ્ટોપ સેન્ટરના સેન્ટર એડમિનિસ્ટ્રેટર વનીતાબેન ચૌહાણે સખી સેન્ટર દ્વારા અપાતી કોઈપણ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને તબીબી સહાય, પોલીસ સહાય, કાયદાકીય સહાય, સામાજિક સમસ્યામાં પરામર્શ અને હંગામી ધોરણે આશ્રય અંગે વિગતો આપી હતી.
મહિલા શક્તિ કેન્દ્રના જિલ્લા કો ઓર્ડીનેટર જેવીના પટેલે મહિલા અને બાળ અધિકારીની કચેરીની કાર્યરત વિવિધ યોજનાઓ જેવી કે, વિધવા સહાય યોજના, વહાલી દીકરી યોજના, આર્થિક સ્વાવલંબન યોજના, વિધવા પુન:લગ્ન આર્થિક યોજના અંગે જાણકારી આપી હતી.
૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલ સેજલ પટેલે ૧૦૦ જેટલા ઉપસ્થિત વિદ્યાર્થીઓને ૧૮૧ મહિલા હેલ્પલાઈન એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને તેના ઉપયોગ અંગે માહિતગાર કર્યા હતા.
- Advertisement -
ઘરેલુ હિંસા વિરૂધ્ધ સ્ત્રીઓને રક્ષણ આપવા બાબતે તથા મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત શાંતિનિકેતન કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ ગોગરાનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. આ તકે સહિતના તમામ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.



