સૌરાષ્ટ્ર યુર્નિવસિટીના પ્રોફેસર યોગેશ જોગસણ અને ડૉ. ધારા આર.દોશીનું મંતવ્ય
ઘટનાના સંદર્ભમાં તપાસ ચાલુ હોય કારણો અંગે કોઈ ચોક્કસ તારણ પર પહોંચવું યોગ્ય નથી
- Advertisement -
રાજકોટમાં બનેલી ખખ્ખર પરિવારની સામૂહિક આપઘાતની દુઃખદ ઘટના સમગ્ર સમાજને હચમચાવી દે તેવી છે. આ ઘટનાના સંદર્ભમાં તપાસ ચાલુ હોવાથી તેના કારણો અંગે કોઈ ચોક્કસ તારણ પર પહોંચવું યોગ્ય નથી. પરંતુ આવી ઘટનાઓ આપણને સામૂહિક આપઘાત પાછળ રહેલા મનોવૈજ્ઞાનિક, પારિવારિક અને સામાજિક પરિબળો અંગે ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરે છે. સામાન્ય રીતે આત્મહત્યા એ મૃત્યુની ઇચ્છા કરતાં વધુ પીડાનો અંત લાવવાનો નિષ્ફળ પ્રયાસ હોય છે. જ્યારે આ ઘટના સમગ્ર પરિવાર સુધી પહોંચે છે, ત્યારે સમજવું જરૂરી બને છે કે લાંબા સમયથી ચાલતી નિરાશા, ભાવનાત્મક થાક, આર્થિક દબાણ, સામાજિક એકલતા, ભવિષ્ય પ્રત્યેની આશા ગુમાવવી અને સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી એવી માનસિક સ્થિતિ એકસાથે કાર્ય કરતી હોય છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિનું વિચારવાનું અને નિર્ણય લેવાનું સંતુલન ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે.
મનોવિજ્ઞાનની દૃષ્ટિએ, આવી સ્થિતિમાં વ્યક્તિને કોગ્નિટિવ ટનલ વિઝન જેવી માનસિક અવસ્થા થઈ શકે છે. તેમાં વ્યક્તિને જીવનના અન્ય બધા વિકલ્પો ધૂંધળા લાગે છે અને માત્ર એક જ માર્ગ દેખાય છે. આ દૃષ્ટિ વાસ્તવિકતા નહીં, પરંતુ તીવ્ર માનસિક પીડાનું પ્રતિબિંબ હોય છે. કેટલાક પરિવારોમાં સભ્યો વચ્ચેનો ભાવનાત્મક આધાર એટલો ગાઢ હોય છે કે એક સભ્યની ગંભીર નિરાશા અથવા ભય આખા પરિવારના વિચારોને અસર કરી શકે છે. તે ઉપરાંત, સતત આર્થિક મુશ્કેલીઓ, સામાજિક અપેક્ષાઓ, પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય, દેવાનો બોજ, કૌટુંબિક તણાવ અથવા લાંબા સમય સુધી ઉકેલ ન મળતી સમસ્યાઓ વ્યક્તિને અસહાયતા તરફ ધકેલી શકે છે.
આજના સમયમાં એક વધુ ચિંતાજનક બાબત એ છે કે લોકો બહારથી સામાન્ય, સફળ અને હસતા દેખાતા હોવા છતાં અંદરથી ભારે માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા હોઈ શકે છે. તેથી માત્ર બહારના વર્તન પરથી કોઈની માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. આવી ઘટનાઓને માત્ર “નબળું મન” અથવા “હિંમતનો અભાવ” કહીને સમજવાનો પ્રયાસ વૈજ્ઞાનિક રીતે ખોટો છે. માનસિક આરોગ્ય પણ શારીરિક આરોગ્ય જેટલું જ મહત્વનું છે. જેમ હૃદયરોગ માટે સારવાર જરૂરી હોય છે, તેમ ગંભીર હતાશા, ચિંતા અથવા માનસિક તણાવ માટે પણ સમયસરની વ્યાવસાયિક મદદ જરૂરી છે.
સમાજ તરીકે હવે કેટલીક બાબતો પર ગંભીરતાથી કામ કરવાની જરૂર છે
દરેક પરિવારમાં દરરોજ ખુલ્લા અને નિખાલસ સંવાદની પરંપરા વિકસાવવી.
શાળા, કોલેજ, યુનિવર્સિટી અને કાર્યસ્થળે માનસિક આરોગ્ય અંગે જાગૃતિ અને કાઉન્સેલિંગ સેવાઓને મજબૂત બનાવવી.
આર્થિક કે વ્યક્તિગત મુશ્કેલીમાં રહેલા લોકોની ટીકા કે ઉપહાસને બદલે સહાનુભૂતિપૂર્વક મદદ કરવી.
માનસિક આરોગ્ય અંગેની ગેરસમજો અને કલંક (સ્ટિગ્મા) દૂર કરવા સતત જનજાગૃતિ કરવી.
મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા આવી ઘટનાઓનું જવાબદાર અને સંવેદનશીલ પ્રસ્તુતિકરણ કરવું, જેથી અનાવશ્યક સનસનાટી કે અનુમાનોથી બચી શકાય.
જીવનમાં કોઈ સમસ્યા કાયમી નથી, પરંતુ તણાવ અને નિરાશા મનને એવી રીતે ઘેરી લે છે કે વ્યક્તિને ઉકેલ દેખાતો નથી : પ્રોફેસર યોગેશ જોગસણ
સામૂહિક આપઘાત અંગે પ્રોફેસર યોગેશ જોગસણે વધુમાં જણાવ્યું કે, જીવનમાં કોઈપણ સમસ્યા કાયમી નથી, પરંતુ ઘણી વખત તણાવ અને નિરાશા મનને એવી રીતે ઘેરી લે છે કે વ્યક્તિને ઉકેલ દેખાતો બંધ થઈ જાય છે. એ સમયે મૌન સૌથી મોટો શત્રુ બની શકે છે. પરિવાર, મિત્ર, શિક્ષક અથવા માનસિક આરોગ્ય નિષ્ણાત સાથે ખુલ્લા દિલે વાત કરવી એ કમજોરી નહીં, પરંતુ જીવન બચાવતું સાહસ છે. દરેક પરિવાર એકબીજાની લાગણીઓને સાંભળવાનું શીખે. ઘણી વખત સલાહ કરતાં સહાનુભૂતિપૂર્વક સાંભળવું વધુ અસરકારક સાબિત થાય છે. કોઈ વ્યક્તિ સતત નિરાશા, એકલતા અથવા આશાહીનતાની લાગણીઓ વ્યક્ત કરે, તો તેને ગંભીરતાથી લેવી જોઈએ અને સમયસર મદદ ઉપલબ્ધ કરાવવી જોઈએ.
- Advertisement -
ડૉ. ધારા દોશીની સમાજને અપીલ
આપણે એક એવો સમાજ બનાવીએ જ્યાં લોકો પોતાની માનસિક પીડા છુપાવવા માટે મજબૂર ન બને. જ્યાં મુશ્કેલીમાં રહેલી વ્યક્તિને ટીકા નહીં, પરંતુ ટેકો મળે; નિર્ણય નહીં, પરંતુ સમજ મળે; અને નિરાશા નહીં, પરંતુ આશા મળે. સંવેદના, સંવાદ અને સમયસરની મદદ અનેક જીવ બચાવી શકે છે.




