રેલવે-રાજ્ય સરકાર અડધો – અડધો ખર્ચ ભોગવશે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે
રાજકોટ શહેરને રેલવે ફાટક મુક્ત કરવાના અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા વિવિધ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં સાંઢિયા પુલના સફળ નિર્માણ બાદ, હવે ગોંડલ રોડ પર આવેલા પીડીએમ (માલવિયા કોલેજ) ફાટકે સર્જાતી ભારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ઝેડ (ણ) આકારનો અંડરબ્રિજ બનાવવાની યોજનાને રેલવે વિભાગ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. મંજૂરી મળતાની સાથે જ તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા સહિતની આગળની કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
ગોંડલ રોડ અને ઢેબર રોડ વચ્ચે આવેલા આ મહત્વપૂર્ણ ફાટક પર ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે મનપા દ્વારા એક વર્ષ અગાઉ અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જે-તે સમયે બ્રિજની ડિઝાઇન અને જમીન કપાત અંગેની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ પ્રોજેક્ટને ક્ષણિક સ્થગિત કરવામાં આવ્યો હતો. જોકે, રાજ્ય સરકારની લીલી ઝંડી મળતાં મનપા દ્વારા રેલવે વિભાગ સમક્ષ ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ રજૂઆત સફળ રહેતાં રેલવે મંજૂરીનો માર્ગ મોકળો થયો છે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂ. ૮૨ કરોડનો અંદાજિત ખર્ચ થશે. જેમાં નિયમ મુજબ ૫૦ ટકા રકમ રેલવે વિભાગ અને બાકીની પ૦ ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ બ્રિજના નિર્માણ માટે મનપાને નોડલ એજન્સી તરીકે નીમવામાં આવી છે, જેથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં જ ટૂંક સમયમાં સ્થળ પર કામગીરી શરૂ કરી દેવાશે. આ અંડરબ્રિજ બનવાથી દૈનિક હજારો વાહનચાલકોને ફાટક બંધ રહેવાના કારણે થતા સમય અને ઇંધણના વ્યયમાંથી કાયમી મુક્તિ મળશે.
૪૦૦૦૦થી વધુ વાહનચાલકને રાહત
ગોંડલ રોડને ઢેબર રોડ સાથે જોડતા આ ફાટક પરથી દરરોજ અંદાજે ૪૦૦૦૦થી વધુ વાહનોની અવરજવર થાય છે અને ખાસ કરીને એસટીની તમામ બસ તથા અટિકા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આવતા વાહનો સહિતનાઓ આ ફાટક પરથી પસાર થતી હોવાથી ફાટક બંધ હોય ત્યારે ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થાય છે. ત્યારે અંડરબ્રિજ બન્યા બાદ તમામ પાહનચાલકોનો સમય અને ઇંધણનો બચાવ અને અકસ્માતના બનાવોમાં પણ ઘટાડો થવાની સંભાવના જોવાઈ રહી છે. અહીં અનેકવાર એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જવાની ઘટના બને છે. પીડીએમ ફાટકે ઝેડ આકારના અંડરબ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજની લંબાઈ ૫૩૦ મીટર, પહોળાઈ ૧૫.૫ મીટર, ઊંચાઈ ૩૦ મીટર અને ૪૫૬૫ ચો.મી. જમીન સંપાદન કરવામાં આવશે. બ્રિજ ઢેબર રોડ ઉપર ગોપાલનગર શેરી નંબર ૧થી શરૂ થઈને ગોંડલ રોડ ઉપર હ્યુન્ડાઈ શો રૂમ સુધી બનાવવામાં આવશે.




