નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં આંતરિક રસ્તાઓ સિમેન્ટ-કોન્ક્રીટના બનાવવાનો ભૂપેન્દ્ર પટેલનો સ્તુત્ય નિર્ણય
સમાચારોનાં ઢગલાં વચ્ચે ક્યારેક અત્યંત મહત્ત્વપૂર્ણ ન્યૂઝ દબાઈ જતાં હોય છે. ગઈકાલે એવાં જ એક વાવડ ક્યાંક દટાઈ ગયા અને તેની નોંધ લેવાવી જોઈએ એટલી લેવાઈ નહીં. ગઈકાલે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો: તેમાં નક્કી થયું કે, મહાનગરપાલિકાઓના અને નગરપાલિકાનાં આંતરિક રસ્તાઓ તબક્કાવાર સિમેન્ટ-કોન્ક્રીટ (સી.સી.)ના બનાવાશે. ભારે વરસાદ અને ઓવરટોપિંગના કારણે રસ્તાઓ તૂટી જતાં હોય છે અને બીજી અનેક સમસ્યાઓ પેદા થાય છે. આ પ્રશ્ર્નનાં નિરાકરણ માટે સી.સી. રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
- Advertisement -
ડામર રોડ સ્વયં એક સમસ્યા છે અને તેનાં કરતાં પણ મહાન સમસ્યા છે, એ બનાવવામાં થતો ભ્રષ્ટાચાર. ડામર રોડમાં બેફામ ભેળસેળ થાય છે અને આપણે ત્યાં તો મોટા ભાગનાં ડામર રોડ એક વર્ષ પણ ખેંચતા નથી. પરિણામ એ આવે છે કે, ડામર પર ડામર અને તેનાં પર ફરી-ફરીને ડામર પાથરવાનાં કારણે રોડનું લેવલ ઊંચું આવે છે, મકાનનું લેવલ આપમેળે નીચે જાય છે. તેનાં કારણે ઘરમાં જળભરાવની સમસ્યા ઘેરી બને છે. વિકસિત દેશોમાં મોટાભાગે સિમેન્ટ રોડ જ બનાવવામાં આવે છે.
બેશક, સી.સી. રોડ થોડાં મોંઘા પડે છે પરંતુ સૌથી મોટો ફાયદો આયુષ્યનો હોય છે. સી.સી. રોડનું આયુષ્ય નાંખી દેતાં પણ 30થી 40 વર્ષ હોય છે. જ્યારે ડામર રોડનું આયુષ્ય 10થી 15 વર્ષ ગણાય છે. જો કે, આપણે ત્યાં 10થી 15 મહિના સુધી ચાલે તો પણ એ સિદ્ધિ ગણાય છે. આવી સ્થિતિમાં સી.સી. રોડ એક સારો ઉપાય છે. સિમેન્ટ-કોન્ક્રીટનાં રસ્તાઓમાં ભ્રષ્ટાચારની સંભાવના ઓછી રહે છે.
સી.સી. રોડનાં અનેક ફાયદા છે. વરસાદનું પાણી તેને જલ્દી નુકસાન પહોંચાડી શકતું નથી. સી.સી. રોડ બનતાં થોડો વધુ સમય લાગે છે પરંતુ તેનો મેન્ટેનન્સ ખર્ચ બહુ ઓછો હોય છે. ડામર રોડમાં પેચવર્ક, રીસરફેસિંગ, ગાબડાં પુરવા વગેરેનો ખર્ચ નિત્ય થતો રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે, સિમેન્ટ-કોન્ક્રીટ રોડની નાઈટ વિઝિબિલિટી બહુ સારી હોય છે તેથી અકસ્માતો ઘણાં અંશે નિવારી શકાય છે.
- Advertisement -
ગુજરાત સરકારનો આ નિર્ણય સ્તુત્ય છે. હર ચોમાસે ઉઠતી રોડ તૂટવાની ફરિયાદોનો આ વ્યવહારૂ ઉકેલ ગણી શકાય. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના રસ્તાઓ સુધારવાની તત્કાળ જરૂરિયાત છે- એ બાબતે કોઈ શંકા નથી. ખાડાં-ખબડાંવાળા રસ્તાઓ અસુવિધા તો નોતરે જ છે- અકસ્માતો અને ગંદકી માટે પણ નિમિત્ત બને છે. સી.સી. રોડ આવી સમસ્યાઓ ઘણાં અંશે હળવી કરી શકશે.
છેલ્લાં અઠવાડિયામાં ભૂપેન્દ્ર પટેલની સરકારે આ બીજો આવકારદાયક નિર્ણય લીધો છે. અગાઉ કલેકટર-ડીડીઓને વધુ સત્તા આપતો જે નિર્ણય લેવાયો તે પણ ઉત્તમ છે. તેને લીધે નાનાં-નાનાં કામો માટે ગાંધીનગર સુધી લોકોને ધક્કા નહીં ખાવા પડે. આવા નાનાં-ઝીણકાં નિર્ણયોના ગુલદસ્તા થકી જ એક નમૂનેદાર રાજ્ય બને છે.




