ડેન્ગ્યુ સામે રાજકોટ મહાનગરપાલિકાની સઘન ઝુંબેશ
નાગરિકોને દર અઠવાડિયે માત્ર 10 મિનિટ ફાળવી મચ્છર ઉત્પત્તિ રોકવા અપીલ
- Advertisement -
ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર જુલાઈ માસને “ડેન્ગ્યુ વિરોધી માસ” તરીકે ઉજવી શહેરવ્યાપી સઘન ઝુંબેશ હાથ ધરી છે. વરસાદ બાદ વધતા ભેજ અને અનુકૂળ વાતાવરણને કારણે એડીસ અને એનોફિલીસ મચ્છરની ઉત્પત્તિની શક્યતા વધી જતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા સતત સર્વેલન્સ, મચ્છર ઉત્પત્તિના સ્થળોની તપાસ, આરોગ્ય શિક્ષણ અને જનજાગૃતિના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ તા. ૧ જુલાઈથી ૨૮ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૮૬૪ પ્રિમાઇસીસની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ૧૪૧ શાળાઓ, ૨૬૦ બાંધકામ સાઇટો, ૩૨૬ ઉદ્યોગો, ૧૨૮ હોસ્પિટલો, ૫૮ હોસ્ટેલો, ૧૯૧ સરકારી કચેરીઓ, ૭૩ ધાર્મિક સ્થળો, ૧૦૪ ભંગારના ડેલા, ૨૦૭ હોટલો, ૮૯ કોમ્પ્લેક્ષ અને એપાર્ટમેન્ટ, ૨૭૯ સેલર તેમજ ૯૨૩ અન્ય સંસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન જ્યાં મચ્છરની ઉત્પત્તિ અથવા તે માટે અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી ત્યાં રહેણાંક સહિત કુલ ૧૮૦૨ આસામીઓને નોટિસો ફટકારવામાં આવી હતી, જ્યારે ૨૧૭ આસામીઓ પાસેથી રૂ. ૧,૬૧,૧૫૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે નિયમોના પાલન સાથે લોકોની ભાગીદારી વિના મચ્છરજન્ય રોગો પર અસરકારક નિયંત્રણ શક્ય નથી. આ ઉપરાંત શહેરના તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે આરોગ્ય શિક્ષણ, પત્રિકા વિતરણ, જનજાગૃતિ રેલીઓ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજી નાગરિકોને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયાથી બચવાના ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ ડેન્ગ્યુ ફેલાવતો એડીસ મચ્છર ઘરમાં અને ઘરની આસપાસ ચોખ્ખા પરંતુ બંધિયાર પાણીમાં જ પ્રજનન કરે છે. સિમેન્ટની ટાંકી, સિન્ટેક્સ ટાંકી, બેરલ, કેરબા, છોડના કુંડાં, ફ્રિજની ટ્રે, નાળિયેરની કાછલી, મનીપ્લાન્ટની બોટલ, ટાયર, ભંગાર, બાંધકામ સાઇટ પર ભરાયેલું પાણી અને સેલરમાં જમા થયેલું વરસાદી પાણી જેવા સ્થળો મચ્છરની ઉત્પત્તિના મુખ્ય કેન્દ્ર બની શકે છે.
- Advertisement -
માત્ર ૨૦ મિલી જેટલા સ્થિર પાણીમાં પણ ૭થી ૧૦ દિવસમાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે છે, તેથી દરેક નાગરિકે દર અઠવાડિયે માત્ર ૧૦ મિનિટ ફાળવી પોતાના ઘર અને આસપાસના તમામ પાણી ભરાતા સ્થળોની તપાસ કરી બંધિયાર પાણીનો નિકાલ કરવો** જોઈએ. પાણીની ટાંકીઓને હવાચુસ્ત ઢાંકવી, ફ્રિજની ટ્રે અને ફૂલદાનીનું પાણી નિયમિત બદલવું, ટાયર અને ભંગારમાં પાણી ભરાવા ન દેવું, છત અને છજ્જા પર વરસાદી પાણીનો નિકાલ કરવો તેમજ બાંધકામ સાઇટ પર પાણી જમા ન રહે તેની ખાસ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તમામ સ્તરે કામગીરી ચાલી રહી છે, પરંતુ નાગરિકોના સક્રિય સહકાર વિના આ અભિયાનને સંપૂર્ણ સફળતા મળી શકે નહીં. તેથી દરેક નાગરિકે પોતાના ઘર અને આસપાસ મચ્છરની ઉત્પત્તિ અટકાવવાની જવાબદારી સ્વીકારી મહાનગરપાલિકાની આરોગ્ય ટીમને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.




