શ્રી ભવાનીધામનું નિર્માણ આગામી બે વર્ષમાં થશે પૂર્ણ
8500 ટન આરસપહાણમાંથી બનનારા મંદિરમાં 1700થી વધુ ભક્તો એકસાથે બેસી શકશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
સમસ્ત રાજપૂત સમાજના આરાધ્યદેવી શ્રી માભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામની પાવનધરા ઉપર પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મંદિર નિર્માણકાર્યની પ્રગતિ તથા મંદિર પરિસરની આસપાસ સામાજિક કલ્યાણ માટે અલગ-અલગ સુવિધાઓ વિકસાવવા અને આગામી યોજનાઓ વિશે ચર્ચા-વિચારણા કરવા માટે આજે રાજ્યભરના રાજપૂત સમાજના અગ્રણીઓએ એક સમીક્ષા બેઠક યોજી હતી.
આ સમીક્ષા બેઠકમાં પૂર્વ ગવર્નર અને ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્ર્સ્ટી વજુભાઈ વાળા, કિશોરસિંહ ચૌહાણ , કાનભા ગોહિલ જશાભાઇ બારડ, વિજયસિંહ બારડ નારણભાઈ સગર, બાબુસિંહ જાદવ, કિરીટસિંહ ડાભી, સહિત રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તમામ આગેવાનોએ માં ભવાનીના ભવ્ય મંદિરના નિર્માણની સાથે-સાથે મંદિર પરિસરમાં લોકકલ્યાણ હેતુ શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, યાત્રી નિવાસ, યજ્ઞશાળા, ભોજનશાળા, સંસ્કારધામ, બગીચો, તળાવ સહિતની સુવિધાઓ વિકસાવવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો. આ સુવિધાઓથી સુરેન્દ્રનગર ઉપરાંત રાજ્યભરના રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના લોકોને પણ સીધો લાભ થશે. અહીં સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓની ઉપલ્બધતા સુનિશ્ચિત કરાશે.
- Advertisement -
રાજપૂતોના સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે સૌ એકત્ર બની નિશ્ચય કરે તે માટે ભવાની ધામનું સ્થળ સુરેન્દ્રનગર પાસે આવેલ વસ્તડી મુકામે પસંદ કરવામાં આવ્યું . સમાજના વિવિધ અગ્રણીઓને વજુભાઈએ જે અપીલ કરી હતી જેના ભાગરૂપે વિજયસિંહ બારડે પોતાની સત્તર એકર જગ્યા મંદિર માટે દાનમાં આપી છે અને બાકીની વિવિધ જગ્યાઓ સમાજ દ્વારા ઉપયોગી પ્રવૃત્તિમાં મદદરૂપ થઈ શકાય તે માટે ભવાનીધામ પ્રતિષ્ઠાન દ્વારા ખરીદ કરવામાં આવી છે . જેમાં મંદિર ઉપરાંત અન્ય સુવિધાઓનું નિર્માણ થશે.
અંદાજે 120 કરોડના ખર્ચે બનનાર ભવાનીધામનું આશરે 8500 ટન મકરાણાના આરસપહાણથી નિર્માણ થઈ રહ્યું છે અને હાલમાં મંદિરનું અંદાજિત 35% જેવું કાર્ય પણ પૂર્ણ થયું છે. મંદિરની વિશેષતા જોઈએ તો ઉંચાઈ -133 ફૂટ, લંબાઈ- 257 ફૂટ અને પહોળાઈ 221 ફૂટ અંદાજિત રહેશે. સમગ્ર મંદિરમાં આશરે 124 સ્તંભ બનશે. 32 એકર જમીનમાં નિર્માણ પામી રહેલા માં ભવાનીના આ મંદિરમાં 1700 થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે. મંદિર નિર્માણ માં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી ભવાનીધામ અને તેને આનુષાંગિક લોકઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે માર્ગદર્શન સમિતિ અને વિવિધ વિભાગના લોકો જોડાઈ શકે તે માટે સમાજના દરેક ક્ષેત્રના તજજ્ઞોને સાથે રાખી કાર્ય કરવામાં આવશે. આ નિમિત્તે ભવાની ધામ પ્રતિષ્ઠાન મુખ્ય માર્ગદર્શક અને કાર્યવાહક મંડળ- ગુજરાત રાજ્ય ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 26થી વધુ જિલ્લાઓમાંથી 51 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે જ તેમાં 25 આમંત્રિત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ભવાની ધામ પ્રતિષ્ઠાન સલાહકાર અને આયોજન મંડળની રચના કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 155થી વધુ તાલુકાઓમાંથી 151 સભ્યો તેમજ 51 આમંત્રિત સભ્યો ની કમિટીની રચના કરવામાં આવી છે. ભારત દેશના 16 થી વધુ રાજ્યો અને અન્ય 11 દેશોમાં વસતા રાજપૂતોનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે , રાજપૂત સમાજને એકતાંતણે બાંધવા માટે વજુભાઈ વાળાએ ભવાનીધામ નિમાર્ણ કરવાનું બીડુ પાંચ વર્ષ પહેલાં ઉઠાવ્યું હતુ. આ પ્રસંગે વજુભાઈ વાળાએ મંદિર નિર્માણનું કાર્ય આગામી માટે 2 વર્ષની અંદર પૂર્ણ થાય તેવી મનોકામના વ્યક્ત કરી હતી. પત્રકારોને સંબોધિત તેમણે જણાવ્યું કે, સમસ્ત રાજપૂત સમાજ તેની શૌર્ય અને સંસ્કૃતિનો વારસો જાળવી રાખે તે માટે ભવાનીમાતાના સાનિધ્ય ખૂબ મહત્વનું રહેશે. મા ભવાનીના શરણે સમગ્ર સમાજ એકત્ર થઈ સારા સંસ્કાર મેળવે અને કુરિવાજો અને વ્યસનોથી દૂર રહે થાય તે માટે પણ વજુભાઈ વાળાએ અપીલ કરી હતી.
આ પ્રસંગે પત્રકારોને સંબોધિત કરતાં મંદિરના ટ્રસ્ટી કિશોરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વસ્તડી ગામે માં ભવાનીના ભવ્ય મંદિરના માટે સમસ્ત રાજપૂત સમાજ અને આસપાસના સ્થાનિકો તરફથી ખૂબજ પ્રોત્સાહક સહયોગ મળ્યો છે. માતાજીના ભવ્ય મંદિર નિર્માણકાર્યની સાથે-સાથે અમે સ્થાનિકોના ઉત્કર્ષ માટે શૈક્ષણિક કેન્દ્ર અને આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધાઓ પણ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે, રાજપૂત સમાજના વિજયસિંહ બારડ પરિવારે આ ઉમદા કાર્યો માટે આશરે 17 એકર જમીનનું દાન કર્યું છે, જે બદલ સમસ્ત રાજપૂત સમાજ તેમનો આભારી છે.
આ સમગ્ર આયોજનની કાર્યવાહી કરવા માટે નરેન્દ્રસિંહ જાદવ અમદાવાદ, ડો. અનિરુદ્ધસિંહ પઢિયાર, મહેશભાઈ રાઠોડ, પ્રવીણસિંહ ચૌહાણ, અજીતસિંહ મસાણી સુરેન્દ્રનગર અને ભવાનીધામના ક્ધવીનર અને કોઓર્ડીનેટર તેજસભાઈ ભટ્ટી ,રાજકોટ સહિતના સૌ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.