મનપા અને ચિત્રનગરીનો સંયુક્ત ઉપક્રમ: રેસકોર્સ ફરતે 216 કલાત્મક રંગોળીઓનું થશે સર્જન
- Advertisement -
દીપોત્સવી પર્વની ઉજવણીને વધુ આનંદમય અને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૬ થી ૮ નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ – ચિત્રનગરીના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૭ નવેમ્બર, ૨૦૨૬ (શનિવાર) ના રોજ રેસકોર્સ રિંગ રોડ ફરતે એક ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા બપોરે ૪:૦૦ થી રાત્રે ૧૨:૦૦ કલાક સુધી યોજાશે, જેમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે ભાગ લઈ શકશે. આ અંગે મનપાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા સંયુક્ત યાદી જાહેર કરી નાગરિકોને ઉત્સાહભેર જોડાવા અનુરોધ કરાયો છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ચિત્રનગરી ટીમના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે, જેમાં ૫ x ૧૫ ફૂટની ૨૬ ગ્રુપ રંગોળી, ૫ x ૫ ફૂટની ૧૫૦ વ્યક્તિગત રંગોળી તથા ૫ x ૫ ફૂટની ૪૦ ડેકોરેટિવ રંગોળી મળી કુલ ૨૧૬ કલાત્મક રંગોળીઓનું સર્જન કરવામાં આવશે અને આ માટે અંદાજે ૧૪૦૦ કિલો ચિરોડી કલરનો ઉપયોગ થશે. સ્પર્ધામાં શ્રેષ્ઠ કલા પ્રદર્શિત કરનાર ગ્રુપ રંગોળીના પ્રથમ ૩ વિજેતાઓને પ્રત્યેકને રૂ. ૫,૦૦૦/-, વ્યક્તિગત કેટેગરીના પ્રથમ ૫ વિજેતાઓને રૂ. ૫,૦૦૦/-, ડેકોરેટિવ કેટેગરીના પ્રથમ ૫ વિજેતાઓને રૂ. ૨,૫૦૦/- તેમજ અન્ય ૨૧ કલાકારોને રૂ. ૧,૦૦૦/- લેખે આશ્વાસન ઇનામ આપવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે ૨ નવેમ્બર, સોમવારે સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી વેબસાઇટ www.chitranagari.in પરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે અથવા સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન ચિત્રનગરીની ઓફિસ (RMC સ્વિમિંગ પૂલ સામે, રેસકોર્સ) ખાતે રૂબરૂ સંપર્ક કરી શકાશે. નિયત સંખ્યા કરતાં વધુ રજિસ્ટ્રેશન થશે તો મનપા પ્રતિનિધિની હાજરીમાં ડ્રો પદ્ધતિથી સ્પર્ધકો નક્કી કરાશે. આયોજકો તરફથી ૮ કલર આપવામાં આવશે, જ્યારે ફૂલ કે કઠોળ જેવી અન્ય સામગ્રી સ્પર્ધકે લાવવાની રહેશે. સ્પર્ધકે વિવાદ વગરની થીમ પર ફાળવાયેલા સ્થળે જ રંગોળી બનાવવાની રહેશે અને પરિણામ દિવાળી બાદ જાહેર કરાશે.
- Advertisement -
૨ નવેમ્બરે થશે રંગોળી સ્પર્ધાનું રજિસ્ટ્રેશન
સ્પર્ધામાં ભાગ લેવા માટે ૨ નવેમ્બર, સોમવારના રોજ સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન www.chitranagari.in વેબસાઇટ પરથી કરી શકાશે. આ ઉપરાંત રૂબરૂ રજિસ્ટ્રેશન માટે ૨ નવેમ્બરે સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન ચિત્રનગરીની ઓફિસ (RMC સ્વિમિંગ પૂલની સામે, રેસકોર્સ) ખાતે સંપર્ક કરવાનો રહેશે. સ્પર્ધકોની સંખ્યા નિયત મર્યાદા કરતાં વધશે તો મનપા પ્રતિનિધિની હાજરીમાં ડ્રો સિસ્ટમથી સ્પર્ધકો નક્કી કરાશે.
સ્પર્ધાના મુખ્ય નિયમો
- કલર સામગ્રી: આયોજકો તરફથી ૮ કલર (લાલ, પીળો, કાળો, લીલો, કેસરી, સફેદ, ડાર્ક બ્લૂ અને સ્કીન) આપવામાં આવશે. વ્યક્તિગત અને ડેકોરેટિવ માટે ૫ કિલો અને ગ્રુપ માટે ૧૫ કિલો ચિરોડી કલર અપાશે. આ સિવાય ફૂલ, કઠોળ જેવી અન્ય સામગ્રી સ્પર્ધકે પોતાની લાવવાની રહેશે.
- થીમ અને શિસ્ત: સ્પર્ધક કોઈપણ થીમ પર રંગોળી બનાવી શકશે, પરંતુ વિવાદાસ્પદ થીમ માન્ય રહેશે નહીં. રંગોળીમાં સ્પર્ધકે પોતાનું નામ, દુકાનનું નામ કે સોશિયલ મીડિયા આઈડી લખવાનું રહેશે નહીં.
- સમય અને સ્થળ: તા. ૭ નવેમ્બરે બપોરે ૩:૪૫ કલાકે કાઉન્ટર પર રિપોર્ટિંગ કરવાનું રહેશે. સ્પર્ધકને ફાળવાયેલા નંબર અને સ્થળ પર જ રંગોળી બનાવવાની રહેશે.
- સુવિધા અને સર્ટિફિકેટ: તમામ સ્પર્ધકો માટે ઠંડા પીણા અને નાસ્તાની વ્યવસ્થા રહેશે તેમજ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે.
- પરિણામ: સ્પર્ધાનું પરિણામ દિવાળી બાદ જાહેર કરાશે અને નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે.




