નિષ્ણાત તબીબો દ્વારા ચામડી, દંતરોગ અને બાળરોગનું નિદાન: જરૂરિયાતમંદોને મફત દવાઓનું વિતરણ
સર્વરોગ નિદાન કેમ્પમાં 350થી વધુ દર્દીઓએ લીધો લાભ: અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ યોજાયું માનવસેવાનું કાર્ય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હૃદયસ્થ વિજયભાઈ રૂપાણીની 10મી માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમણે કંડારેલી માનવસેવાની કેડીને આગળ ધપાવતા રાજકોટમાં એક ભવ્ય સર્વરોગ નિદાન અને શ્રવણયંત્ર વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરીયલ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં 350 થી વધુ દર્દીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો હતો.
ટ્રસ્ટના ભવન ‘કિલ્લોલ’ ખાતે તા. 12/04/2026 ના રોજ યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન સિનિયર ઈ.એન.ટી. સર્જન ડો. જતિનભાઈ મોદી અને સિનિયર બાળરોગ નિષ્ણાત ડો. નિખિલભાઈ શેઠ સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. જતિનભાઈ મોદીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં તબીબી સેવાઓ મોંઘી થઈ રહી છે ત્યારે પુજીત ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી જે પ્રકારે રાહતદરે અને વિનામૂલ્યે સેવાઓ આપી રહ્યું છે તે અત્યંત સરાહનીય છે.
કેમ્પની મુખ્ય વિશેષતા એ રહી કે કાનની બહેરાશ ધરાવતા 108 જરૂરિયાતમંદ દર્દીઓને તપાસ બાદ વિનામૂલ્યે શ્રવણયંત્ર (હિયરિંગ એઈડ) વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચામડી, દંતરોગ, બાળરોગ અને વર્ટીગો (ચક્કર આવવા) ના દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા તપાસીને જરૂરી દવાઓ પણ મફત આપવામાં આવી હતી. દંતરોગના દર્દીઓ માટે ટ્રસ્ટ દ્વારા એક અઠવાડિયા સુધી રાહતદરના પણ 50% દરે સારવાર આપવાનું વિશેષ આયોજન કરાયું છે.
આ કેમ્પમાં ડો. નિરવભાઈ મોદી, ડો. ચેતનભાઈ લાલસેતા, ડો. બિંદનભાઈ શાહ સહિતના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી. ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મેહુલભાઈ રૂપાણી અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને તબીબોની સેવાની પ્રશંસા કરી હતી. મેડિકલ કમિટીના ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા કાયમી ધોરણે માત્ર 10 રૂપિયાના ટોકન દરે નિદાન અને દવા પૂરી પાડવામાં આવે છે. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ અને કર્મચારીઓની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.



