ત્રિ-દિવસીય તિરોધાન તિથિ મહોત્સવમાં સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ; ગૌપૂજન, સુંદરકાંડ અને રામાર્ચન વિધિ દ્વારા પૂજ્ય બાપુને અપાઈ ભાવાંજલિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભાવનગરના શ્રદ્ધેય અને સેવાના પ્રતીક સમાન ગોળીબાર હનુમાન મંદિર ખાતે ગૌ-પ્રતિપાળ સંત પૂજ્ય મદનમોહનદાસ બાપુની તીરોધાન તિથિ નિમિત્તે ત્રિ-દિવસીય “રામાર્ચન પૂજન મહાયજ્ઞ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 12, 13 અને 14 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં પ્રથમ દિવસે સુંદરકાંડના પાઠ અને બીજા દિવસે ગૌ-માતાનું પૂજન કરી તેમને માલપુડાનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.
અંતિમ દિવસે હરિદ્વારના બ્રાહ્મણો દ્વારા રામાર્ચન મહાયજ્ઞ અને ધર્મસભા યોજાઈ હતી. આ પ્રસંગે અખિલ ભારતીય અખાડા સંઘના અધ્યક્ષ રાજેન્દ્રદાસજી, જગદગુરુ દિલીપદાસજી મહારાજ અને હરિદ્વારના વિષ્ણુદાસજી સહિતના અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા.
વિષ્ણુદાસજી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ગુરુ એ શિષ્ય માટે કલ્પવૃક્ષ સમાન છે. સંતોએ બ્રહ્મલીન બાપાના સેવાકાર્યોને આગળ ધપાવવા બદલ વર્તમાન મહંત કલ્યાણીબેન અને મહંત સરજુદાસજીની વિશેષ પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.



