વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતીના સંકલ્પ સાથે રાજકોટમાં ઉજવાશે ગજાનન આશ્રમનો ગુરુપૂર્ણિમા મહોત્સવ
માત્ર ધાર્મિક નહીં, પરંતુ સમાજમાં સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી વિકસાવવાનો અનોખો પ્રયાસ
- Advertisement -
દરેક યુવાનોમાં રાષ્ટ્રભાવના અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જળવાઇ રહે તે માટે લેવાયો નિર્ણય
રાજકોટમાં ગજાનન આશ્રમ માલસર દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ-2026નું આયોજન સમાજને નવી દિશા આપતા સંદેશ સાથે કરવામાં આવ્યું છે. ગજાનન આશ્રમના પૂજ્ય ગુરુજી છેલ્લા 27 વર્ષથી ગુરુપૂર્ણિમાની ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ સમાજજાગૃતિ અને રાષ્ટ્રનિર્માણના અભિયાન તરીકે કરી રહ્યા છે. આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા મહોત્સવને વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીના સંકલ્પ સાથે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પૂજ્ય ગુરુજીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુરુપૂજન કરવા અથવા મંત્રદીક્ષા લેવા આવનારા લોકોએ માવા, ફાકી, તમાકુ, ગુટખા સહિતના કોઈપણ પ્રકારના વ્યસનનો ત્યાગ કરેલો હોવો જોઈએ. વ્યસનગ્રસ્ત વ્યક્તિઓએ પહેલાં વ્યસનમુક્ત બનવાનો સંકલ્પ લેવો અને ત્યારબાદ જ ગુરુપૂજન માટે આવવું. ગુરુપૂર્ણિમાનો આ સંદેશ માત્ર ધાર્મિક નહીં, પરંતુ સમાજમાં સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી વિકસાવવાનો પ્રયાસ હોવાનું તેમણે જણાવ્યું હતું.
- Advertisement -
આ વર્ષે ગુરુદક્ષિણાની પરંપરામાં પણ વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. રોકડ રકમ અર્પણ કરવાને બદલે દરેક શિષ્યને ઓછામાં ઓછાં બે વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સાથે જ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના વધતા ઉપયોગથી પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્યને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં રાખી ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પણ સંદેશ આપવામાં આવ્યો છે.
પૂજ્ય ગુરુજીએ જણાવ્યું હતું કે તેમને માત્ર શિષ્યોની સંખ્યા વધારવાની ઈચ્છા નથી, પરંતુ એવા ગુણવત્તાસભર શિષ્યોની જરૂર છે, જેમના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ, યુવાનો પ્રત્યે લાગણી, પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે સમર્પણ, ગાય, ગંગા અને નદીઓ પ્રત્યે આદર અને સમાજ માટે કંઈક સારું કરવાની ભાવના હોય. આવા મૂલ્યો ધરાવતા શિષ્યો જ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.
ગુરુપૂર્ણિમા મહોત્સવ બુધવાર, તા. 29 જુલાઈ, 2026ના રોજ સવારે 8:00થી બપોરે 12:00 વાગ્યા સુધી અભય ભારદ્વાજ હોલ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ, રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત બહારગામથી આવતા ભાવિકો માટે એક દિવસ અગાઉ રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.
પૂજ્ય ગુરુજીએ જણાવ્યું કે આજે ભારતનો યુવા વર્ગ વ્યસનના રવાડે ચડી પોતાની શક્તિ અને ક્ષમતાનો નાશ કરી રહ્યો છે. બીજી તરફ વિકાસની આંધળી દોડમાં પ્રકૃતિ અને પર્યાવરણને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. વધુ ઉત્પાદનની લાલચમાં રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના વધતા ઉપયોગથી માનવજાત પોતાનું જ નુકસાન કરી રહી છે. આવા સમયમાં ગુરુપૂર્ણિમા-2026 સમાજમાં નવી જાગૃતિ અને નવી ક્રાંતિની શરૂઆત સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે ભારતને શક્તિશાળી બનાવવા માટે યુવા પેઢીને શૌર્યવાન, તેજસ્વી, બુદ્ધિશાળી અને સંસ્કારી બનાવવી જરૂરી છે. તે માટે પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યોને ફરી જીવંત કરવાની જરૂર છે. યુવાનોને સત્ય, સંસ્કાર, વ્યસનમુક્તિ અને રાષ્ટ્રસેવાનો માર્ગ બતાવનારા ગુરુઓ પ્રત્યે સમાજમાં વધુ સમર્પણ અને વિશ્વાસ વધે તે સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું.
29 જુલાઈ ગુરુપૂર્ણિમાના દિવસે કાર્યક્રમ
સવારે 07:00 વાગ્યે : ગુરુજીની પાદુકા પૂજન
સવારે 08:00 થી 9:00 : મંત્રદીક્ષા
સવારે 08:30 થી 12:30 : સંતવાણી
સવારે 09:30 થી 12:00 : સદ્ગુરુ પૂજન
બપોરે 12:30 વાગ્યે : મહાપ્રસાદ




