રાજકોટ શિક્ષણ સમિતિની ત્રણેય અંગ્રેજી માધ્યમ સ્કૂલ પર સંકટ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં
રવીન્દ્રનાથ ટાગોર, હોમી ભાભા અને કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ શાળામાં એડમિશન બંધ
- Advertisement -
કરોડોના બજેટ છતાં રાજકોટ શિક્ષણ સમિતિ ત્રણ શાળામાં નવા સત્ર માટે એડમિશન બંધ થતાં વાલીઓમાં રોષ
જગઊં સ્કૂલે સંચાલન છોડતાં શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમ શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ
નવી 6 અંગ્રેજી માધ્યમ સ્કૂલ શરૂ કરવાના વાયદા હવામાં : શિક્ષણ સમિતિના દાવા પોકળ સાબિત થયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ‘કોન્વેન્ટ જેવું હાઈટેક શિક્ષણ’ આપવાના કેવા પોકળ દાવા કરે છે, તેનો જીવતો-જાગતો પુરાવો સામે આવ્યો છે. વર્ષ 2021માં તે સમયના ચેરમેન દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં બબ્બે મળીને કુલ 6 નવી અત્યાધુનિક અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી હતી. આ નવી શાળાઓ ઈંટો અને પથ્થરોમાં તો ન ચણાઈ, પણ અત્યારે જે 3 અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલે છે તેને પણ તાળાં મારવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે! જગઊં સ્કૂલએ સંચાલન કરવાનો ઈનકાર કરી દેતાં, શિક્ષણ સમિતિએ નવા સત્રમાં એડમિશન પ્રક્રિયા બંધ કરી છે.
શિક્ષણ સમિતિ હસ્તકની ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે પ્રવેશ મેળવવો એ અઘરું હતું. નર્સરીની માત્ર 25 સીટ માટે 500થી વધુ વાલીઓ ફોર્મ ભરતા હતા અને દર વર્ષે એડમિશન માટે ડ્રો કરવો પડતો હતો. આ શાળાઓમાં એક પણ રૂપિયો ફી લીધા વિના ખાનગી શાળાઓને ટક્કર મારે તેવું ગુણવત્તાયુક્ત શિક્ષણ, મફત પાઠ્યપુસ્તકો અને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. હવે આ ભગીરથ કાર્ય અચાનક અટકી પડતાં ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. રવીન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ શાળા – સાધુ વાસવાણી રોડ, ડો.હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા-ગોપાલ ડેરી પાછળ, દૂ સાગર માર્ગ, કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ શાળા – ગાયત્રીનગર, બોલબાલા માર્ગની શાળામાં હાલ એડમિશન પ્રક્રિયા બંધ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. સૌથી મોટો સવાલ એ છે કે, મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ કરોડો રૂપિયાનું બજેટ ધરાવે છે, છતાં તેઓ પોતાની દમ પર 3 શાળાઓ પણ ચલાવી શકતા નથી ? જગઊં સ્કૂલે સંચાલનમાંથી હાથ ઊંચા કરી લીધા, તો શું શિક્ષણ સમિતિ પાસે પોતાના લાયક શિક્ષકો કે યોગ્ય વહીવટી તંત્ર નથી? ખાનગી સંસ્થાના ઈનકારના બહાના હેઠળ આખી એડમિશન પ્રક્રિયા બંધ કરી દેવી સૌથી મોટી નિષ્ફળતા છે. હવે પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં મેળવવા શહેરમાં એક પણ સરકારી શાળા નથી.



