ઘંટેશ્ર્વર ગ્રુપ 13માં કોન્સ્ટેબલ હોય પોલીસની રુહે કોઈ કાર ચેક કરતુ ન હતું : 2.30 લાખનો મુદ્દામાલ કબજે
એઇમ્સ પાસેથી રામનાથપરાના શખ્સને 2.58 લાખનો દારૂ ભરેલી કાર સાથે પકડી પાડ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કુવાડવા રોડ પર જૂના કુવાડવા પોલીસ મથક નજીક પીસીબીએ બાતમી આધારે દરોડો પાડી એસઆરપી ગ્રુપ-13માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1.30 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કુલ 2.30 લાખનો મુદામાલ કબજે કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ એઇમ્સ જવાના રસ્તા પર પીસીબીએ બીજો દરોડો પાડી રામનાથપરાના શખ્સને 2.58 લાખનો દારૂ ભરેલી કાર સાથે ઝડપી લઇ 4,08,048 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, પીએસઆઈ પી બી ત્રાજીયા, પીએસઆઈ આર કે જાડેજાની ટિમો પેટ્રોલિંગમાં હતી ત્યારે નગીનભાઈ ડાંગર, મયુરભાઈ પટેલ, સંતોષભાઈ મોરી સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રસ્તા ઉપર વોચ ગોઠવી હતી ત્યારે એઇમ્સ તરફના રસ્તા ઉપરથી પસાર થયેલી બાતમીવાળી કાર અટકાવી જડતી લેતા તેમાંથી 2.58 લાખની કિંમતનો 1056 બોટલ દારૂ મળી આવતા પોલીસે કાર ચાલક રામનાથપરામાં રહેતા વિજય ઉર્ફે બાલી માધુભાઈ ભટ્ટીની ધરપકડ કરી દારૂ, કાર સહીત 4,08,048 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત
પીસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસેથી એક શખસ દારૂ સાથે શહેર તરફ આવી રહ્યો છે આ બાતમી આધારે ટીમે વોચ ગોઠવી હતી.દરમ્યાન સિલ્વર કલરની સ્વિફ્ટ કાર પસાર થતા તેને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી 1,30,176 રૂપિયાનો અલગ-અલગ બ્રાન્ડનો 384 બોટલ દારૂ મળી આવતા કારમાં બેઠેલા શખ્સનું નામઠામ પૂછતાં પોતે ગોંડલ રોડ ઉપર ખોડિયારનગરમાં રહેતો અને ઘંટેશ્વર ગ્રુપ 13માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો ભાલુભા રાજાભા બળદા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી 2.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પોતે પોલીસમાં હોવાથી રસ્તામાં તેનું વાહન કોઈ ચેક કરતું ન હતું, જેનો ગેરલાભ ઉઠાવી તે અનેકવાર દારૂની ખેપ મારી ચૂક્યો હતો આ જથ્થો તેને લીંબડી પાસેના ભગતના ગામ નજીક રાજસ્થાનનો મારવાડી શખ્સ આપી ગયો હતો અને તે રાજકોટમાં ચિરાગ નામના શખ્સને પહોંચાડવાનો હતો. માત્ર પૈસાની લાલચમાં કાયદાનો રક્ષક જ કાયદાના લીરેલીરા ઉડાડતો હોવાનું ખુલતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.



