પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પારાયણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા ભવ્ય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ના ચોથા દિવસે આધ્યાત્મિકતા અને રાષ્ટ્રપ્રેમનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. સત્ય સનાતન દેશ હૈ મેરા વિષય હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા જનમેદનીએ સાબિત કર્યું કે આજનો માનવ આધુનિકતાની સાથે પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો માટે પણ એટલો જ જાગૃત છે. પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પોતાના હૃદયસ્પર્શી વક્તવ્ય દ્વારા સનાતન ધર્મના ગૌરવ અને ભારતના ભવ્ય ઇતિહાસને જીવંત કર્યો હતો.
સ્વામીએ સનાતનની વ્યાખ્યા કરતા જણાવ્યું કે, સનાતન કોઈ પંથ કે સંપ્રદાય પૂરતું સીમિત નથી, પરંતુ એ સમગ્ર માનવજાત માટેનું શાશ્વત જીવનશાસ્ત્ર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સમય પણ જેને બદલી ન શકે તેનું નામ સનાતન. ભારતના જ્ઞાનના વારસાનો ઉલ્લેખ કરતા તેમણે ઋગ્વેદ, સંસ્કૃત દેવભાષા, યોગ, આયુર્વેદ અને નાલંદા-તક્ષશિલા જેવી વિદ્યાપીઠોની મહત્તા સમજાવી હતી. તેમણે ટકોર કરી હતી કે આપણા મંદિરો અને શાસ્ત્રો જ સંસ્કૃતિના સાચા રક્ષક છે, જો તે ન હોત તો આપણો ધર્મ ક્યારનોય વિસરાઈ ગયો હોત.
કાર્યક્રમ દરમિયાન જ્યારે હજારો લોકોએ પોતપોતાના સ્થાને ઉભા રહી એકબીજાના હાથ પકડી ‘એકતાની સાંકળ’ રચી, ત્યારે ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાક્ષાત જોવા મળી હતી. ત્યારબાદ સૌએ મોબાઈલની ડિજિટલ ફ્લેશલાઈટ પ્રગટાવીને સત્ય, સંસ્કાર અને સેવાના માર્ગે ચાલવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. યુવાવૃંદ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિપૂર્ણ નૃત્યો અને શહીદોના બલિદાનને યાદ કરતી ‘એ મેરે વતન કે લોગો’ જેવી સંગીત પ્રસ્તુતિઓએ અનેક શ્રોતાઓની આંખો ભીની કરી દીધી હતી.
પૂજ્ય સ્વામીએ ખાસ કરીને યુવાપેઢીને શીખ આપતા કહ્યું કે ફેશન અને ટેક્નોલોજી બદલાય તે સ્વાભાવિક છે, પરંતુ ચારિત્ર્ય અને સનાતન મૂલ્યો ક્યારેય બદલાવા જોઈએ નહીં. તેમણે તિલક-ચાંદલો, નમસ્તે કરવાની પરંપરા અને મૂર્તિપૂજા પાછળ રહેલા વિજ્ઞાનને સમજવા અનુરોધ કર્યો હતો. સાથે જ વ્યસનમુક્ત જીવન, ગૌસેવા અને સમાજ માટે ઘસાવવાની ભાવના કેળવવા પ્રેરણા આપી હતી. મહોત્સવના પાંચમા દિવસે પરમાત્મા છે તો પ્રશ્નો કેમ? વિષય પર વિશેષ કથા યોજાશે.
ઉત્કર્ષ મહોત્સવમાં સેવાનો મહાકુંભ; 39 નિષ્ણાંત તબીબોએ હજારો દર્દીઓનું કર્યું નિ:શુલ્ક નિદાન
રાજકોટના આંગણે ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવ સેવા અને સંવેદનાનું જીવંત ઉદાહરણ બન્યો છે. 11 થી 17 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં શહેરના 39 જેટલા ખ્યાતનામ તબીબોએ નિ:સ્વાર્થ ભાવે જોડાઈને હજારો જરૂરિયાતમંદોને આશા અને સહારો આપ્યો છે. સાંજથી રાત્રિ સુધી ચાલતા આ કેમ્પમાં દર્દીઓને નિદાનની સાથે યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ સેવાયજ્ઞમાં કાર્ડિયોલોજિસ્ટ ડો. તુષાર પટેલ અને ડો. વિવેક શાહ, સ્ત્રી રોગ નિષ્ણાત ડો. સ્મિતાબેન કાનાબાર અને ડો. રૂપાબેન મહેતા, ઓર્થોપેડિક સર્જન ડો. મયૂર ઠક્કર, ફિઝિશિયન ડો. અતુલ પંડ્યા અને ડો. મનોજ ગુંદારાણા સહિતના નિષ્ણાતોએ સેવા આપી છે. આ ઉપરાંત બાળ રોગ નિષ્ણાત ડો. ભવિન મહેતા અને ચામડીના રોગના નિષ્ણાત ડો. કેતન ઠક્કર પણ આ સેવામાં જોડાયા છે.
મહોત્સવમાં રક્તદાન કેમ્પ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, જેમાં અઈંઈંખજ, ઙ.ઉ.ઞ. સિવિલ હોસ્પિટલ અને રેડ ક્રોસ જેવી બ્લડ બેંકોના સહયોગથી મોટું રક્ત એકત્રિત કરાયું છે. સાથે જ અંગદાન અને ચક્ષુદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી અનેક લોકોને મૃત્યુ બાદ પણ પરોપકાર કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. નિ:શુલ્ક નિદાન અને દવાઓના માર્ગદર્શનથી આર્થિક નબળા પરિવારો માટે આ મહોત્સવ આશીર્વાદ સમાન સાબિત થયો છે.



