અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ
ખાસ-ખબર સંવાદદાતા
હાર્દિક પટેલે પોતાના જ પક્ષ સામે બાંયો ચઢાવી છે. જેને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અને હાર્દિક પટેલ સામસામે આવી ગયા છે. હાર્દિક પટેલની ફરિયાદને ગંભીરતાથી ન લેતા તે પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા છે. સાથેસાથે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. આ ચર્ચા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલનું સ્વાગત કરવા આમ આદમી પાર્ટી તૈયાર છે. આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે, અમે લોકો માટે લડીએ અને આવાજ ઉઠાવીએ છીએ.
- Advertisement -
હાર્દિક પણ લોકો માટે અવાજ ઉઠાવે છે, હાર્દિક જેવા લડવૈયાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવવું જોઈએ. હાર્દિક સાથે સામાજિક રીતે જોડાયેલા છીએ, હાર્દિક મારો મિત્ર છે એટલે સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક પ્રકારની વાતચીત મારી અને હાર્દિક વચ્ચે થતી રહેતી હોય છે. તો નરેશ પટેલ અંગે જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતની જનતા માટે જે પણ લડવા માગે છે એમનું સ્વાગત કરીએ છીએ. ભાજપના અહંકારને ઉતારવા માટે સૌ કોઈ આમ આદમી પાર્ટી સાથે જોડાય.
તો ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અઈંખઈંખ ના અધ્યક્ષ પણ અમદાવાદ આવ્યા એ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વખતે લડાઈ માત્ર બે પક્ષ વચ્ચે છે. ભાજપનો અહંકાર અને ગુજરાતની જનતા વચ્ચે ચૂંટણીમાં લડાઈ થશે, ગુજરાતની જનતા જીતશે. અમને હાર્દિક પટેલ સહિત સૌ કોઈ માટે લાગણી છે અને સૌ અમારી સાથે જોડાય એવી અપીલ છે. રાજ્યમાં બે પક્ષની મોનોપોલી ચાલી રહી છે, ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટતાની મોનોપોલી તોડવાની છે. આ ભ્રષ્ટાચારની મોનોપોલી તૂટશે તો જનતાને લાભ મળશે.


