રાજકોટ સહિત ગુજરાતમાં લીંબુના રિટેઇલ ભાવ 300થી 400 બોલાઈ રહ્યા છે
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લીંબુના ભાવોએ રાડ બોલાવી દીધી છે અને જુદા-જુદા શહેરોમાં ભાવ કિલોના 300થી 400 સુધી પહોંચી ગયા છે ત્યારે લોકોએ આકરો ઉનાળો હોવા છતાં લીંબુનો વપરાશ ઘટાડી નાખ્યો છે.ઉંચા ભાવને કારણે લીંબુની માંગમાં 35 ટકાનો ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લીંબુના રિટેઇલ ભાવ 300 થી 400 બોલાઈ રહ્યા છે. હોલસેલ માર્કેટમાં પણ 200 રુપિયા સુધીના ભાવ છે. લીંબુના વેપારીઓએ કહ્યું કે ગુજરાતમાં ઉત્પાદન જ સાવ મામૂલી થઇ ગયું હોય તેમ લોકલ આવક બહુ ઓછી થાય છે અને દક્ષિણ ભારતમાંથી આવતા લીંબુ પર આધાર રાખવો પડી રહ્યો છે. આંધ્રપ્રદેશ તથા કર્ણાટકમાંથી દરરોજ 60-70 ટન લીંબુ આવતા હોવાનો અંદાજ છે. માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં લીંબુની સપ્લાય આ બે રાજ્યમાંથી જ થાય છે. તેને કારણે ભાવ સતત વધી રહ્યા છે.
- Advertisement -
કાળઝાળ ગરમીમાં સામાન્ય રીતે લીંબુનો વપરાશ વધી જતો હોય છે પરંતુ અત્યારે ઉંચા ભાવને કારણે લોકોએ ઉપયોગ ઘટાડી નાખ્યો છે. સામાન્ય રીતે રિટેઇલ વેપારી 50 થી 60 કિલોની રોજ ખરીદી કરતા હતા તેના બદલે માંડ 30 થી 40 કિલો ખરીદ કરે છે એટલું જ નહીં અનેક રિટેઇલ વેપારીઓએ તો લીંબુનો વેપાર કરવાનું જ બંધ કરી દીધું છે. મોટા લીંબુ નંગના રુા. 20 થી 25ાં વેચાઈ રહ્યા છે.


