સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ
અમેરિકા H-1B વિઝા નિયમો કડક બનાવશે, જેની સીધી અસર હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડશે. અમેરિકી શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થની ડી’એસ્પોસિટોએ 365 દિવસમાં સિસ્ટમ સંપૂર્ણપણે બદલવાનો સંકેત આપ્યો છે. છેતરપિંડી અને કૌભાંડો આચરનાર કંપનીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે. 70%થી વધુ H-1B વિઝા ભારતીયો ધરાવે છે, તેથી આ ફેરફારોથી તેમના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ સર્જાશે.
અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ અને એન્જિનિયરો માટે ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. અમેરિકી સરકાર H-1B વિઝા નિયમોમાં અગાઉથી જ કડક વલણ અપનાવી રહી છે; વિઝા ફીમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે અને ઘણા પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હવે ટ્રમ્પ પ્રશાસન H-1B વિઝા નિયમોને વધુ કડક બનાવવા અને સંભવતઃ આ પ્રોગ્રામને કાયમ માટે બંધ કે ધરમૂળથી બદલવાની તૈયારી કરી રહ્યું છે. છેતરપિંડી આચરનારા એમ્પ્લોયર્સ સામે કાનૂની સકંજો કસીને કડક સજા તેમજ “હાથકડી તૈયાર છે”ની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે.
H-1B વિઝા પ્રોગ્રામમાં થતા કોઈપણ ફેરફારની સીધી અસર ભારતીયો પર પડે છે. અમેરિકી IT કંપનીઓ, ટેક સેક્ટર અને કોર્પોરેટ જગતમાં કામ કરતા કુલ H-1B વિઝા ધારકોમાંથી 70 ટકાથી વધુ હિસ્સેદારી માત્ર ભારતીય પ્રોફેશનલ્સની છે. જો આ પ્રોગ્રામ બંધ કે અત્યંત મર્યાદિત થાય, તો હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ, યુએસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં જવાની તૈયારી કરી રહેલા યુવાનોની કરિયરને ભારે ફટકો પડશે. અમેરિકામાં અગાઉથી કાર્યરત ભારતીયો માટે વિઝા રિન્યુઅલ અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં નવા મોટા અવરોધો ઊભા થશે.
- Advertisement -
દિગ્ગજ IT કંપનીઓ તપાસ એજન્સીઓના નિશાના પર
વિદેશી કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતા આચરવા બદલ તપાસ એજન્સીઓએ મોટી કંપનીઓ સામે પણ કાર્યવાહી તેજ કરી છે. ફોજદારી તપાસના કારણે ટેક ક્ષેત્રની અગ્રણી કંપનીઓ કોગ્નિઝન્ટ અને ક્લાઉડેરા સાથે જોડાયેલી નવી H-1B/PERM અરજીઓ હાલ પૂરતી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. યુએસ શ્રમ વિભાગ અનુસાર, તપાસ અધિકારીઓએ ડઝનબંધ સમન્સ પાઠવ્યા છે અને અનેક શંકાસ્પદ સ્થળો પર સર્ચ વોરંટ સાથે દરોડા પાડ્યા છે.




