સેંકડો ભક્તોનું રેસ્ક્યુ, પહાડો પરથી પથ્થરો વરસતાં જોઈ જીવ તાળવે ચોંટ્યા!
ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતના કારણે કેદારનાથ યાત્રા માર્ગ પર અંદાજે ૧૫૦૦ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા, જેમનું સરકાર દ્વારા સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, દુર્ગમ કાલિંદી ટ્રેક પર ફસાયેલા ૧૦૦થી વધુ ટ્રેકર્સને બચાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. SDRFના જણાવ્યા અનુસાર, રવિવારની મોડી રાત્રે સોનપ્રયાગ પોલીસને સૂચના મળી હતી કે ગૌરીકુંડથી લગભગ ૩ કિલોમીટર આગળ ચીડબાસા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તાની પેલે પાર ફસાયા છે. ચીડબાસા હેલિપેડ પાસે રસ્તા પર ભારે કાટમાળના થર જામી ગયા હતા અને સતત પથ્થરો પડી રહ્યા હોવાથી સ્થિતિ અત્યંત જોખમી બની હતી. આવી જીવન જોખમમાં મૂકનારી પરિસ્થિતિ વચ્ચે SDRF, NDRF અને DDRFની સંયુક્ત ટીમોએ મોર્ચો સંભાળ્યો હતો અને ભારે સાવધાની રાખીને તમામ શ્રદ્ધાળુઓને સલામત રીતે જોખમી ઝોન પાર કરાવી ગૌરીકુંડ સુધી પહોંચાડ્યા હતા. સતત ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બીજા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે.
બીજી બાજુ, ઉત્તરાખંડના દુર્ગમ કાલિંદી ટ્રેક પર ખરાબ હવામાન અને ભારે બરફવર્ષા વચ્ચે ૧૦૦થી વધુ ટ્રેકર્સ ફસાઈ ગયા છે, જેને બહાર કાઢવા માટે મોટું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કુદરતી આફત સચિવ વિનોદ કુમાર સુમન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સવારથી જ ૮ હેલિકોપ્ટરોની મદદથી આ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી કર્નલ ઓડન બેઝ કેમ્પથી ૨૯ ટ્રેકર્સને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.




