ભાવનગર જિલ્લાના સોનપરી ગામના સરપંચ તુષાર મેરે ગામની કાયાપલટ માટે ઉપાડી અનોખી પહેલ
યુવાનો માટે 35 લાખની લાઈબ્રેરી, 10 હજાર વૃક્ષોનું વન કવચ અને 17 વર્ષ જૂની પાણીની સમસ્યાનો ઉકેલ લાવી લોકસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું
- Advertisement -
સરપંચનો સંકલ્પ : કોઈ પરિવાર દુઃખમાં એકલો નહીં, કોઈ વિદ્યાર્થી સુવિધાથી વંચિત નહીં! અને પર્યાવરણનું જતન
‘સેવા એ જ સાચો માનવ ધર્મ છે’ આ ઉક્તિને ભાવનગર જિલ્લાના સોનપરી ગામના યુવા સરપંચ પ્રતિનિધિ તુષારભાઈ મેરે પોતાના સેવાકીય કાર્યો દ્વારા સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતના સરપંચનું પદ ગામના વિકાસકામો, સરકારી યોજનાઓ અને વહીવટી કામગીરી સાથે જોડાયેલું હોય છે, પરંતુ સોનપરી ગામના તુષારભાઈ મેરે આ પદને લોકસેવા, માનવતા અને સામાજિક જવાબદારીનું માધ્યમ બનાવીને એક અનોખી પહેલ કરી છે. ગામના કોઈ પરિવાર પર દુઃખની ઘડી આવી પડે ત્યારે આર્થિક સહાયથી માંડીને મહિલાઓને રોજગારી, વિદ્યાર્થીઓને મફત શૈક્ષણિક સુવિધાઓ, વૃદ્ધો અને વિધવા બહેનોને ઘરઆંગણે પેન્શન, પર્યાવરણ જતન માટે વન કવચ તેમજ વર્ષો જૂની પાયાની સમસ્યાઓના નિરાકરણ સુધીનાં અનેકવિધ કાર્યો દ્વારા તેમણે ગ્રામજનોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. સોનપરી ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તુષારભાઈ મેરે ગામના વિકાસને માત્ર રસ્તા, પાણી અને ગટર જેવી માળખાકીય સુવિધાઓ પૂરતો મર્યાદિત રાખવાને બદલે માનવતાલક્ષી અભિગમ અપનાવ્યો છે. ગામના અઢારે વર્ણના લોકો માટે સમાન સેવાભાવ, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક ટેકો, મહિલાઓને આત્મનિર્ભર બનાવવી, યુવાનોને શિક્ષણની સુવિધા પૂરી પાડવી અને ગ્રામજનોની રોજિંદી મુશ્કેલીઓનું નિવારણ કરવું તેમની કામગીરીના મુખ્ય કેન્દ્રમાં રહ્યું છે.
મરણ પ્રસંગે સહાય, અત્યાર સુધીમાં 24 પરિવારોને મદદ
તુષારભાઈ મેરની સેવાકીય પ્રવૃત્તિઓમાં સૌથી વિશેષ અને માનવતાસભર પહેલ મરણ સહાયની છે. ગામમાં અઢારે વર્ણમાંથી કોઈપણ વ્યક્તિનું કુદરતી અથવા અકસ્માતે નિધન થાય ત્યારે શોકગ્રસ્ત પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી તેઓ પોતાના અંગત ખિસ્સામાંથી રૂ. 10 હજારની રોકડ સહાય આપે છે. આ સહાય કોઈ સરકારી ગ્રાન્ટ કે દાતાઓના ફંડમાંથી નહીં, પરંતુ પોતાની અંગત આવકમાંથી આપવામાં આવે છે અને આ રકમ પરિવાર પાસેથી પરત પણ લેવામાં આવતી નથી. તુષારભાઈ મેરના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં 24 મરણ પ્રસંગે કુલ રૂ. 2.40 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
- Advertisement -
વિધવા બહેનોને ઘરવેરામાંથી મુક્તિ, પેન્શન માટે હવે પાલિતાણા સુધી ધક્કા નહીં
ગામની વિધવા બહેનોને આર્થિક રાહત આપવા માટે પણ તુષારભાઈ મેરે વિશેષ વ્યવસ્થા કરી છે. સોનપરીની તમામ વિધવા બહેનોને ઘરવેરાની પહોંચ આપવામાં આવે છે, પરંતુ તેમનો ઘરવેરો સરપંચ દ્વારા પોતાના અંગત ખર્ચે ભરવામાં આવે છે. ઉપરાંત, ગામનાં વૃદ્ધો અને વિધવા બહેનોને સરકારી પેન્શનની રકમ મેળવવા માટે પાલિતાણા સુધી અવરજવર કરવી પડતી હતી. તેથી બેંકના કર્મચારીને દર મહિને ગામમાં બોલાવીને પેન્શનની રકમ ચૂકવવાની વ્યવસ્થા ઊભી કરી છે.
120થી વધુ મહિલાઓને સ્વરોજગારીની નવી તક
મહિલા સશક્તિકરણ અને આર્થિક આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા તુષારભાઈ મેરે સોનપરીમાં મફત સિલાઈ તાલીમની પહેલ હાથ ધરી છે. અત્યાર સુધીમાં 120થી વધુ મહિલાને સિલાઈ કામની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી છે. તાલીમના માધ્યમથી મહિલાઓને ઘરઆંગણે જ રોજગારી મેળવવાની તક ઊભી થાય અને પરિવારની આવકમાં યોગદાન આપી શકે તેવો હેતુ રાખવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા
શિક્ષણ ક્ષેત્રે પણ સોનપરી ગ્રામ પંચાયત દ્વારા પ્રજાલક્ષી પહેલ કરવામાં આવી છે. ગામના તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓને દસ્તાવેજોની ઝેરોક્ષ માટે ખર્ચ ન કરવો પડે તે હેતુથી આજીવન મફત ઝેરોક્ષ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો અને અન્ય વિદ્યાર્થીઓને વિવિધ સરકારી ભરતી તથા પરીક્ષાઓનાં ઓનલાઈન ફોર્મ નિઃશુલ્ક ભરી આપવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓની તૈયારી કરવા માટે આધુનિક લાઈબ્રેરીની સુવિધા
ગામના યુવાનોને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વધુ સારી સુવિધા મળે તે હેતુથી રૂ. 35 લાખના ખર્ચે અધ્યતન લાઈબ્રેરી મંજૂર કરાવવામાં આવી છે. ગામના યુવાનોને અભ્યાસ માટે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત ઘટાડવી અને ગ્રામ્ય વિસ્તારમાં જ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવું એ આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ છે.
રૂ. 25 લાખના ખર્ચે ‘વન કવચ’ તૈયાર કર્યું
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગામના નિર્માણ માટે પણ સોનપરીમાં નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. તુષારભાઈ મેરના પ્રયાસોથી રૂ. 25 લાખના ખર્ચે 10 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ભવ્ય ‘વન કવચ’ તૈયાર કરવામાં આવ્યું છે. પર્યાવરણનું જતન, હરિયાળી વધારવી અને આગામી પેઢી માટે સ્વચ્છ તથા પ્રાકૃતિક વાતાવરણ ઊભું કરવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે.
મફત તબીબી તપાસ અને નિદાન કેમ્પથી આરોગ્યલક્ષી સેવા
ગામના નાગરિકોને આરોગ્યની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે સમયાંતરે મફત તબીબી તપાસ અને નિદાન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આવા કેમ્પોમાં ગ્રામજનોને વિવિધ આરોગ્યલક્ષી તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના એવા લોકો કે જેઓને સામાન્ય તપાસ માટે પણ દૂરના શહેરોમાં જવું પડે છે, તેમના માટે આવા કેમ્પો ઉપયોગી બની શકે છે.
17 વર્ષથી પીવાના પાણીની સમસ્યાનો અંત, છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યું પાણી
સોનપરી ગામમાં વર્ષોથી પડતર રહેલી પાયાની સમસ્યાઓના ઉકેલ માટે પણ તુષારભાઈ મેરે પ્રયાસો હાથ ધર્યા છે. ગામના છેવાડાના વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી પીવાનું પાણી પહોંચતું ન હતું. રહેવાસીઓને લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરવો પડતો હતો. તુષારભાઈ મેરના પ્રયાસોથી આ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે.
હોદ્દો સંભાળ્યાના પ્રથમ મહિનામાં રૂ. 30 લાખની ડ્રેનેજ લાઈન, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ
સોનપરીમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા હતી. આ સમસ્યાને કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ દવાખાનામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વર્ષોથી પડતર રહેલા આ પ્રશ્નના નિરાકરણ માટે તુષારભાઈ મેરે હોદ્દો સંભાળ્યાના પ્રથમ મહિનામાં જ રૂ. 30 લાખના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરી હતી.




