સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-RBI-NPCI પાસે માંગ્યો હિસાબ!
દેશભરમાં દૈનિક ધોરણે લાખો લોકો દ્વારા વપરાતી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વ્યવસ્થા પર સૂચિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે રૂ.૨,૦૦૦થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ વ્યવહારો પર MDR લાદવાના નાણાં મંત્રાલયના નિર્ણયને પડકારતી PIL પર તાત્કાલિક સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, અદાલતે આ પગલાની કાયદાકીય માન્યતા પર ગંભીર સવાલો ઉઠાવતા કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષકારો પાસેથી ટૂંકી એફિડેવિટ માંગી છે. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મુખ્ય ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે આ બાબત કાનૂની કરતાં વધુ ટેકનિકલ છે, તેથી કેન્દ્ર સરકારે વાસ્તવિક તથ્યો સ્પષ્ટ કરવા પડશે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત પક્ષકારો પોતાની એફિડેવિટ રજૂ કરે તે પછી જ સમગ્ર મામલાની કાયદેસરતા અંગે અંતિમ સુનાવણી હાથ ધરાશે. હાલ આ તબક્કે કોર્ટે આ ચાર્જની કાયદેસરતા અંગે કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી.
કેન્દ્ર સરકારના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતે આકરા સવાલો પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે આ ફી લાદવાના કાયદાકીય આધાર અંગે સ્પષ્ટતા માંગી છે. અદાલતે સ્પષ્ટ પૂછ્યું છે કે આ નવા ચાર્જથી આખરે કોને કમાણી થશે અને તે નાણાંનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે?
- Advertisement -
જો આ સરકારી ફી છે, તો માત્ર એક્ઝિક્યુટિવ આદેશથી કેમ લાદી શકાય?: અદાલતનો સવાલ
સુનાવણી દરમિયાન જસ્ટિસ બેન્ચે કેન્દ્ર સરકારના વકીલ સામે કાયદાકીય સ્રોત અંગે અણીયાળો સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે આ પ્રકારનો ચાર્જ લાદવાનો એક્ઝિક્યુટિવ વ્યાપ કેટલો છે? જો આ કોઈ ફી કે કરવેરો છે, તો તેને માત્ર કારોબારી આદેશ Executive Fiat દ્વારા લાદી શકાય નહીં. જો આ ફી નથી, તો પછી આખરે આ શું છે? સરકારનો જવાબ આવ્યા પછી અદાલત એ તપાસ કરશે કે આ રકમ કોના હાથમાં જઈને ‘આવક’ બને છે.
કેન્દ્ર સરકારની સ્પષ્ટતાઃ ‘96% યુઝર્સ આમાંથી મુકત, સરકારને એક રૂપિયો પણ નહીં મળે’
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એન. વેંકટરમણે દલીલ કરી હતી કે આ નિર્ણય હજુ ૧૫ ઓક્ટોબરથી અમલમાં આવવાનો છે. તેમણે કહ્યું, UPI પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરતા ૯૬% સામાન્ય વપરાશકર્તાઓ આ ચાર્જના દાયરામાંથી સંપૂર્ણપણે બહાર છે. આ ચાર્જમાંથી સરકારના ખાતામાં એક પણ રૂપિયો જવાનો નથી. આ રકમ બેન્કો અને સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ વચ્ચેની આંતરિક સેટલમેન્ટ ફી છે, જેનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા કરવામાં આવે છે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારે ૧૫ ઓક્ટોબર સુધીમાં કેન્દ્ર સરકાર પોતાની એફિડેવિટમાં કયા તકનીકી અને કાયદાકીય તર્કો રજૂ કરે છે તેના પર દેશભરના કરોડો વેપારીઓ અને ડિજિટલ યુઝર્સની નજર રહેશે.




