45 દિવસમાં દબાણો દૂર કરવા આપેલ નોટિસની મુદત પૂર્ણ થતાં પાલિકાની કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
- Advertisement -
તાલાલા શહેરમાં ગીરીનામા ચોકમાં જાહેર માર્ગ ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો સામે તાલાલા નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. ચીફ ઓફિસરે જણાવેલ વિગત પ્રમાણે તાલાલા નગરમાં ગીરીનામા ચોક તથા આજુબાજુના વિસ્તારોમાં અવિરત દબાણ થતાં આ વિસ્તારમાં કીંમતી દુકાનો લઇ વેપાર ધંધા કરતા વેપારી ભાઈઓ તથા રાહદારીઓને પસાર થવું કઠીન બની ગયું હતું.નગરના મુખ્ય ચોક વિસ્તારમાં નડતરરૂપ દબાણો દૂર કરવા આ વિસ્તારના 70 જેટલા વેપારીઓએ મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર સમક્ષ ઓનલાઈન સામૂહિક ફરિયાદ કરી હતી જેના અંતર્ગત તા.15/03/2025 નાં રોજ નગરપાલિકાએ તમાંમ દબાણો દૂર કરી ખુલ્લી જગ્યામાં ફેન્સિંગ કરી હતી.થોડા મહિના બાદ આ જગ્યા ઉપર ફરીથી ગેરકાયદેસર દુકાનો બંધાતા વેપારીઓ દ્વારા સ્થાનિક તથા જીલ્લા પ્રશાસન ને વેપારીઓએ ફરીથી ફરીયાદ કરી હતી જેના અંતર્ગત નગરપાલિકા દ્વારા ગીરીનામા ચોક વિસ્તારના દબાણ કરનાર લોકોને 45 દિવસની મુદત સાથે લેખિત નોટિસ આપી સ્વૈચ્છિક દબાણો દૂર કરવા સુચનાઓ આપવામાં આવી હતી.છતાં પણ નિર્ધારિત સમયમર્યાદામાં દબાણકારોએ દબાણો દૂર નહીં કરતા નગરપાલિકાએ આજે ગેરકાયદેસર દબાણો દૂર કરાવ્યાં હતાં.
નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડા નાં માર્ગદર્શન હેઠળ પાલિકાના સ્ટાફ દ્વારા ગીરીનામા ચોક વિસ્તારમાં આવેલ 10 થી 12 દુકાનો તથા અન્ય અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા.જેની અંદાજીત કિંમત રૂ.1 કરોડ થી વધુ થતી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.તાલાલા નગરમાં દબાણ હટાવ કામગીરી દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે માટે તાલાલા પી.આઈ.જે.એન.ગઢવી તથા મહિલા પી.એસ.આઈ.પી.વી.ધનેશા એ સ્ટાફ સાથે બંદોબસ્ત ગોઠવ્યો હતો.
કટલેરી બજારમાં ગેરકાયદે દબાણો દૂર થશે:ચીફ ઓફિસર
તાલાલા શહેરમાં જુના બસ સ્ટેન્ડ ચોકની આજુબાજુમાં આવેલ મુખ્ય ગણાતી કટલેરી બજારમાં ટ્રાફિક માટે અડચણરૂપ દુકાનોનાં આગળના ભાગમાં કરેલ દબાણો દૂર કરવા 20 થી વધુ દુકાનદારો ને નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક ગેરકાયદે દબાણો દૂર કરવા સાત દિવસની નોટિસ આપવામાં આવી છે.સમય મર્યાદામાં વેપારીઓ દબાણો દૂર નહીં કરે તો ડિમોલેશન કરવાની કામગીરી શરૂ થશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.



