ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત જૂનાગઢને સ્વચ્છ અને સુંદર બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર વહેલી સવારથી હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન જાહેર માર્ગો પર કચરો ફેંકતા અને ગંદકી કરતા 32 આસામીઓ પાસેથી કુલ રૂ. 16,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં સેનીટેશન સુપ્રી. કલ્પેશ ટોલીયા અને તેમની ટીમ દ્વારા સવારના સુમારે આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. કમિશનરએ શહેરીજનો અને વેપારીઓને અપીલ કરી છે કે તેઓ જાહેર માર્ગો પર કચરો ન ફેંકતા ડસ્ટબીનનો ઉપયોગ કરે અને કચરો માત્ર ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં જ આપે. વધુમાં, પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ કરનારાઓ સામે પણ કડક દંડનીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોનો સહયોગ માંગવામાં આવ્યો છે.



