રાજકોટના જૂના વિસ્તારો પરા બજારથી લાખાજીરાજ રોડ સુધી અનેક જર્જરીત ઇમારતો
દર વર્ષે અનેક ઇમારતો ભયજનક જાહેર થાય છે, છતાં જોખમ યથાવત
- Advertisement -
ભારે વરસાદ અને પવનમાં અકસ્માત ટાળવા જોખમી ભાગો દૂર કરાવવાની જરૂર
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડ બાદ હાલમાં વરસાદે વિરામ લીધો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં વરસાદી પાણીના ભરાવા, રસ્તાઓ પર ખાડા પડવા તેમજ જર્જરિત મકાનોના ભાગ તૂટી પડવાની ગંભીર સમસ્યાઓ ઉભી થવાની શક્યતા છે. ખાસ કરીને રાજકોટના જૂના વિસ્તારોમાં આવેલી વર્ષો જૂની ઈમારતો ચિંતાનો વિષય બની છે. સેન્ટ્રલ ઝોનના પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં જર્જરિત મકાનો આવેલા છે. દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 200થી વધુ મકાનોને ભયજનક જાહેર કરવામાં આવે છે, તેમ છતાં અનેક મિલકતધારકો દ્વારા જરૂરી સમારકામ કે જોખમી ભાગો દૂર કરવાની કામગીરી સમયસર કરવામાં આવતી નથી. ભારે વરસાદ, પવન અથવા વાવાઝોડાની સ્થિતિમાં આવા જર્જરિત મકાનોના ભાગો તૂટી પડવાની શક્યતા વધી જાય છે, જેના કારણે રાહદારીઓ અને આસપાસના રહેવાસીઓના જીવને જોખમ ઊભું થાય છે તેમજ જાન-માલનું મોટું નુકસાન થઈ શકે છે.
- Advertisement -
સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો ભારે વરસાદ દરમિયાન જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવો અટકાવી શકાય અને શહેરમાં જાનહાનિ તથા મિલકતને થતું નુકસાન નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. વરસાદી સિઝનમાં જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપીને મહાનગરપાલિકાએ પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામગીરીને સર્વોચ્ચ મહત્વ આપવું જરૂરી બન્યું છે.




