કૌર સિંહે 1971માં રાજસ્થાનના બાડમેર સેક્ટરમાં પાકિસ્તાન સામે લડી’તી લડાઈ: 1979માં બૉક્સિગં શરૂ કર્યા બાદ પાંચ વર્ષ સુધી રહ્યા નેશનલ ચેમ્પિયન
દિગ્ગજ બૉક્સર મોહમ્મદ અલી સાથે બૉક્સિગંમાં બાથ ભીડનારા દેશના એકમાત્ર હેવીવેટ બૉક્સર કૌર સિંહે 74 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. પદ્મશ્રી અને અર્જુન પુરસ્કારથી સન્માનિત કૌર સિંહ અનેક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે કુરુક્ષેત્રની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ પોતાના પત્ની બલજીત કૌર અને બે પુત્ર-એક પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે.
- Advertisement -
શિખ રેજિમેન્ટના કૌરે જાન્યુઆરી-1980માં દિલ્હીમાં યોજાયેલી એક મેચમાં ચાર રાઉન્ડ સુધી મોહમ્મદ અલીનો સામનો કર્યો હતો. ત્યારે મોહમ્મદ અલીએ તેમને ભારતના ટાઈગર ગણાવ્યા હતા. કૌર દિલ્હીમાં 1982ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા એકમાત્ર ભારતીય હતા. 1984માં લૉસ એન્જલસ ઓલિમ્પિક અને 1982 બ્રિસ્બેન કૉમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે ભાગ લઈ ભારતનો ડંકો વગાડ્યો હતો.
તેમના ઉપર પદ્મશ્રી કૌર સિંહ નામની ફિલ્મ પણ બની હતી. પંજાબ સરકારે આ મહિને સ્કૂલ પાઠય પુસ્તકોમાં રાજ્યના ચાર મહાન ખેલાડીઓના જીવનને અભ્યાસમાં સામેલ કર્યા છે. પંજાબના સંગરુરમાં જન્મેલા કૌર 1971માં સેનામાં સામેલ થયા હતા. તેમણે રાજસ્થાનના બાડમેર સેક્ટરમાં પાકિસ્તાન સામે લડાઈ પણ લડી હતી. 1979માં બૉક્સિગંની શરૂઆત કરનારા કૌર સળંગ પાંચ વર્ષ સુધી રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચૂક્યા છે.