ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સામાન્ય રીતે કોઈ ખેડૂત ખેતીની જમીનનો ઉપયોગ ખેતી સિવાય અન્ય કોઈ પ્રવુતિ માટે કરે તો સરકાર દ્વારા શરતભંગનો ગુનો દાખલ કરી તે ખેતીની જમીનને ખાલસા કરે છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી બિનખેતી વગરની 70 વીઘા જમીનમાં સ્ટોકયાર્ડ ઉભું કરનાર વગદાર કંપની ઓપેરાને જમીન ભાડે આપનાર ખેડૂત નલીનભાઇ ચોવટીયા સામે કલેકટર તંત્ર કોઈ પગલાં લેશે?
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામ પાસે ખેડૂત નલીનભાઇ ચોવટીયાના માલિકીની 70 વીઘા જમીન પવનચક્કીની કંપની ઓપેરા એનેર્જી પ્રાઇવેટ લિમિટેડે માલ-મટીરીયલ સ્ટોર કરવા માટે ભાડ પર રાખી છે. આ જમીન ભાડે આપવા માટે ખેડૂત નલીનભાઇ ચોવટીયા કંપની સાથે 11 મહિનાના ભાડા કારાર કરે છે. આ ભાડા કરારનો ઉપયોગ ઓપેરા એનેર્જી કંપની પીજીવીસીએલમાંથી પોતાના નામે વીજકનેકશન લેવા માટે કરે છે. આ જમીન ખેતી સિવાય અન્ય કોઈપણ પ્રવુતિ માટે ઉપયોગમાં લેવી હોય તો બિનખેતી કરવી જરૂરી છે. પરંતુ ઓપેરા કંપનીને સ્ટોકયાર્ડ કરવા માટે આપેલી 70 વીઘા જમીનમાંથી માત્ર 4 ગુંઠા જ જમીન બિનખેતી કરી પીજીવીસીએલમાંથી હંગામી ધોરણે વીજ પુરવઠો મેળવી લીધો. ઉપરાંત ખેડૂત નલીનભાઇ ચોવટીયાએ આ અગાઉ એટલે કે 3.5 વર્ષ પેહલા પણ અન્ય એક કંપનીને જમીન ભાડે આપી લાખોની કમાણી કરી હતી ત્યારે આ બાબતે વધુ તાપસ કરવામાં આવે તો હજુ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.
- Advertisement -
હંગામી ધોરણે વીજ પુરવઠો મેળવવા માત્ર 4 ગુંઠા જ જમીન બિનખેતી કરી
બિનખેતી વિના જ જમીન ભાડે દેનાર ખેડૂત સામે કલેકટર તંત્ર પગલાં લેશે?
ખેતીની જમીન ભાડે આપી મહિને લાખો રૂપિયાની કમાણી
ખેતીની જમીન ભાડે દેનાર નલીનભાઇ ચોવટિયાને એક વીઘાના રૂપિયા 2900 લેખે 70 વીઘાના મહિને રૂપિયા 2,03,000 ભાડાપેટે કંપની ઓપેરા એનેર્જી કંપની દ્વારા ચુકવવામા આવે છે. ત્યારે વાર્ષિક 24,36,000 રૂપિયાની કમાણી કરનાર ખેડૂત સામે કલેકટર તંત્ર પગલાં લેશે કે નહિ તે જોવાનું રહ્યું.