બાબરાના કર્ણુંકી ગામે NOC લીધા વિના ઉભી કરાયેલી પવનચક્કીના ‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું
કર્ણુંકી ગામે ગેરકાયદે ખડકાયેલી પવનચક્કી મામલામાં મામલતદારથી લઈ કલેકટર તંત્ર પણ શંકાનાં પરિઘમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કર્ણુંકી ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર 203 (જૂનો રેવન્યુ સર્વે નંબર 56 પૈકી 2)ની ખેડવાણ જમીનની પૂર્વ તરફ આવેલા રેવન્યુ સરવે નંબર 213માં હંગામી બિનખેતી કરીને 3.5 મેગા વોટની પવનચક્કી ઉભી કરવામાં આવી છે, જે અયાના રિન્યુએબલ પાવર તથા ઓપેરા એનર્જી અને કોટડાપીઠાના ઉપસરપંચ પથુભાઈ બસીયાની મિલિભગતથી ઉભી કરી હોવાના ‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે. ફરિયાદીએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે પવનચક્કી ઉભી કરવા માટે નિયમ મુજબ સરપંચ પાસેથી એનઓસી મેળવવું પડે છે ત્યારે પ્રાથમિક સર્વે કરી ખોટી KMZ ફાઈલ બનાવી હતી અને સરકારી રેકર્ડમાં પણ છેડછાડ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. આ બાબતે ફરિયાદીએ મામલતદારથી લઈ કલેકટર અને પોલીસમાં પણ અરજી કરી હતી. ફરિયાદી ભગીરથસિંહ રામભાઈ બસીયાએ વધુમાં જણાવ્યું હતું કે કર્ણુંકી ગામના સરપંચની સહી કરેલા કોરા લેટરપેડનો દુરુપયોગ કર્યો છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. ખુદ સરપંચે જણાવ્યું છે કે એનઓસી વિના ઉભી કરાયેલી પવનચક્કી માટે પંચાયતની કોઈ પરવાનગી લેવામાં આવી નથી. આ અંગે પ્રાંત, કલેકટર, એસ.પી. અમરેલી અને બાબરા પોલીસમાં અરજી કરી છે. સાથે જ ગાંધીનગર મુખ્યમંત્રીને પણ એક અરજી કરી છે.
રોડ સરખો કરવા માટે કોરા લેટરપેડ પર સહી કરાવી હતી: સરપંચ કર્ણુંકી ગામ
કર્ણુંકી ગામના સરપંચે જણાવ્યું હતું કે મારી પાસેથી રોડ સરખો કરવા માટે કોરા લેટરપેડ પર સહી કરાવી હતી, પરંતુ તેનો ઉપયોગ આ પવનચક્કી માટે થયો છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. જો તપાસ કરવામાં આવે તો હજુ અનેક બાબતો બહાર આવે તેમ છે.
- Advertisement -
ફરિયાદી ભગીરથસિંહે કરેલી અરજી બાબતે એકબીજા તંત્ર પર ખો
સૌપ્રથમ પવનચક્કી બાબતે બાબરા મામલતદારમાં અરજી કરી હતી ત્યારે મામલતદારે આ મુદ્દે કોર્ટ રાહે અથવા ફોજદારી રાહે કંપની અને કોટડાપીઠાના ઉપસરપંચ સામે ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. મામલતદારના કહેવા મુજબ બાબરા પોલીસ સ્ટેશન અને અમરેલી કલેકટરમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને નિવેદન લેવા માટે બાબરા પોલીસે ફરિયાદીને બોલાવ્યા હતા અને આ સમગ્ર પ્રકરણ રેવન્યુ વિભાગને સંબંધિત હોવાનું જણાવ્યું હતું અને જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લીધા હતા. આ ઉપરાંત અમરેલી કલેકટરમાં કરેલી અરજીના વળતા જવાબમાં મામલતદારને નિવેદન લેવાનું કહેતા તલાટીએ ફરિયાદીને મામલતદાર નિવેદન લેવા માટે બોલાવે છે તેવું જણાવ્યું હતું. જેના જવાબમાં ફરિયાદી ભગીરથસિંહે સૌ પ્રથમ સ્થળ પંચરોજ કામ કરવામાં આવે તથા કોટડાપીઠાના ઉપસરપંચ પથુભાઈ સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
NOC વિના ઉભી કરાયેલી પવનચક્કી માટે સરપંચે પ્રાંતથી લઈ મુખ્યમંત્રી સુધી અરજી કરી
કર્ણુંકી ગામના સરપંચ મનુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે એન.ઓ.સી. વિના ઉભી કરાયેલી પવનચક્કી માટે પ્રાંત અધિકારી, અમરેલીના કલેકટર અને અમરેલીના એસીપી તથા બાબરા પોલીસમાં પણ અરજી આપી છે. તેમાં પણ પ્રાંતમાં કરેલી અરજીમાં ટ્રુ કોપી પણ કાઢી આપવામાં આવી નહોતી તેથી બાબરા આવી ટપાલ દ્વારા અરજી નાખી હતી સાથે એક અરજી ગાંધીનગર મુખ્યમંત્રીને પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પવનચક્કીની જામનગર સ્થિત હેડ ઓફિસ અને ચેન્નઈમાં આવેલી ફેકટરીમાં પણ ઓનલાઈન અરજી કરવામાં આવી છે. કલેકટરમાં ત્રણ-ત્રણ વાર અરજી કરતાં એકવાર કલેકટરનો પણ ફોન આવ્યો હતો કે સુપ્રીમકોર્ટમાં વકીલ મૂકો તો મને ફોન કરજો.