આપ – ભાજપ – કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ
સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાઈન : રાહુલ ગાંધી, એસ.જયશંકર, હરદીપ પુરી, બાંસુરી સ્વરાજ સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું : જડબેસલાક બંદોબસ્ત
- Advertisement -
દિલ્હી વિધાનસભાની 70 બેઠકોના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં આજે સવારથી મતદાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આપ, કોંગ્રેસ, ભાજપ સહીતના પક્ષોના 699 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર, સુદીપ પુરી, સ્વરા ભાસ્કર, સહીતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું.
વિધાનસભાની 70 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ હોય તેમ મોટાભાગનાં મતદાન મથકોએ સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેના આધારે મતદાનની ટકાવરી ઉંચી રહેવાનું અનુમાન વ્યકત કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી શાંતિપૂર્ણ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દિલ્હીની ગાદી કબ્જે કરવા માટે સતાધારી આમ આદમી પાર્ટી, ભાજપ તથા કોંગ્રેસે તમામ તાકાત કામે લગાડી હતી. 10 વર્ષથી સતા પર રહેલા ‘આપ’ દ્વારા હેટ્રીક સર્જવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે. જયારે ભાજપે સતાપલ્ટા માટે કમ્મર કસી હતી. ખુદ વડાપ્રધાન મોદીએ પ્રચારની કમાન સંભાળીને ભાજપને જીતાડવા અનુરોધ કર્યો હતો. મોદી તથા અમિત શાહે મહતમ મતદાન માટે અપીલ પણ કરી હતી.
પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં આજે કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર, હરદીપપુરી, રાહુલ ગાંધી, સ્વરા ભાસ્કર,ચૂંટણી કમિશ્નર સુખબીરસિંહ સંધુ, અલ્કા લાંબા, સંદિપ દિક્ષિત, મનીષ સિસોદીયા સહિતનાં મહાનુભાવોએ મતદાન કર્યું હતું. દિલ્હીનાં ચૂંટણી પ્રચારમાં મોદીએ પાંચ રેલી કરી હતી. રાહુલ ગાંધી તથા પ્રિયંકાએ કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર કર્યો હતો. સતાધારી આપી નેતાઓએ પણ તમામ તાકાત લગાડી હતી. પાટનગરમાં ચૂંટણી પ્રચારમાં યમુનાનાં પ્રદુષણથી માંડીને સરકારી યોજનાઓ સહિતનાં મુદાઓને આવરી લેવામાં આવ્યા હતા.