કોડિનારમાં ચૌહાણની ખાણ ખાતે સતત 35મા વર્ષે 30 એપ્રિલે સમૂહ લગ્ન
વરરાજાને તલવાર અને દિકરીઓને 50 જીવન ઉપયોગી વસ્તુ કરિયાવર સ્વરૂપે અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન આયોજક મંડળ, કોડીનાર દ્વારા આગામી 30 એપ્રિલ 2026, ગુરુવારના રોજ 35મો સમૂહ લગ્નોત્સવ ભવ્યતા અને ગૌરવ સાથે યોજાનાર છે. કોડીનાર તાલુકાના ચૌહાણની ખાણ ખાતે યોજાનાર આ વિશાળ આયોજનમાં કુલ 220 દંપતિઓ એકસાથે વૈવાહિક જીવનની શરૂઆત કરશે, જે સમાજમાં એકતા અને સહકારનું અનોખું દૃશ્ય સર્જશે. આ સમૂહ લગ્નોત્સવ માટે છેલ્લા કેટલાક સમયથી મંડળ દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સ્થળ વ્યવસ્થા, મંડપ, ભોજન, મહેમાનોની સુવિધા, વાહન વ્યવસ્થા સહિતની તમામ બાબતોને સુચારૂ રીતે પાર પાડવા માટે વિવિધ સમિતિઓ રચવામાં આવી છે. સમાજના આગેવાનો, યુવાનો અને સ્વયંસેવકો ઉત્સાહભેર આયોજનને સફળ બનાવવા માટે જોડાયા છે. સમૂહલગ્નોત્સવ 30 એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યે જાન આગમન સાથે સમારંભની શરૂઆત થશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે હસ્તમેળાપની વિધિ યોજાશે, જેમાં તમામ દંપતિઓ વૈદિક વિધિ મુજબ લગ્નબંધનમાં બંધાશે. આ સાથે જ ભોજન સમારંભ પણ શરૂ થશે, જેમાં સાધુ સંતો, મહેમાનો, સગા-સંબંધીઓ અને સમાજના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવશે. અંતે રાત્રે 9 વાગ્યે જાન વિદાય કરવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવની ખાસિયત તરીકે દરેક 220 વરરાજાને પરંપરાગત તલવાર અર્પણ કરવામાં આવશે, જે રાજપૂત સંસ્કૃતિ અને શૌર્યનું પ્રતિક છે. બીજી તરફ, દાતાઓના સહયોગથી દરેક દિકરીને 50 જેટલી જરૂરી ઘરગથ્થુ વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવશે, જે તેમના નવા જીવનમાં ઉપયોગી સાબિત થશે. આ પહેલ પરિવારો માટે આર્થિક રીતે સહાયક બની રહી છે. સમૂહ લગ્નોત્સવ દ્વારા સમાજમાં ખર્ચાળ લગ્નપ્રથાને પ્રોત્સાહન આપવાના બદલે સાદગી, સમાનતા અને સંયમના મૂલ્યોને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એક જ સ્થળે અનેક દંપતિઓના લગ્ન થવાથી ખર્ચમાં ઘટાડો થાય છે અને સમાજમાં અનાવશ્યક દેખાવ અને આડંબર પર નિયંત્રણ આવે છે. આ પ્રસંગે આયોજકો દ્વારા સામાજિક જાગૃતિ માટે મહત્વપૂર્ણ સંદેશાઓ પણ આપવામાં આવ્યા છે. ‘દીકરી બચાવો, ભણાવો’, ‘શિક્ષણ’ એ સફળતાની ચાવી છે’, ‘વ્યસનો છોડીને તંદુરસ્ત જીવન જીવીએ’, ‘સમાજના કાર્યોમાં સહભાગી બનીએ’ અને ‘સ્વચ્છતા જ પ્રભુતા’ જેવા સૂત્રોને જીવનમાં ઉતારવા સમાજને પ્રેરિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સમાજના આગેવાનો દ્વારા યુવાનોને શિક્ષણ, રોજગાર અને સંસ્કારના માર્ગે આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો છે. મહિલાઓના સશક્તિકરણ અને દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, જેથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બને. આ સમૂહ લગ્નોત્સવ માત્ર એક સામાજિક વિધિ નહીં, પરંતુ સમાજમાં એકતા, સહકાર, સંસ્કૃતિ અને સંસ્કારનું પ્રતિક બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોડીનાર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ પ્રસંગે હાજરી આપશે અને આ ઐતિહાસિક સમારંભના સાક્ષી બનશે.
સમૂહલગ્નમાં દરેક દિકરીઓને અપાશે લાખેણો કરિયાવર
- Advertisement -
સમૂહલગ્નમાં દરેક દિકરીઓને દાતાઓ તરફથી રજવાડી પિત્તળ ડીનર સેટ, તાંબાનો કુંજો, તાંબાનો ત્રાસ, તાંબાની લોટી, રમણ દીવડો, કંકાવટી, અખંડ દિપક, સ્ટીલ ડીનર સેટ, ગેસ સ્ટવ, ગેસ લાઇટર, મીક્ષ્ચર, ઈસ્ત્રી, સેન્ડવીચ ટોસ્ટર, બ્લેન્ડર, મલ્ટી કડાઇ, કુકર, સ્ટીલ ગરમ ગરવું, સ્ટીલ મસાલીયું, સર્વિંગ બાઉલ સેટ, સ્ટીલ જગ, કપ રકાબી સેટ, ટિફીન, થર્મોસ, ચા-ખાંડ ડબ્બા સેટ, સ્ટીલ ડબ્બા સેટ, મિલ્ક બરણી, ડ્રાયફ્રુટ કટર, ભાતીયું, છરી-સેટ, સાણસી, ચિમટો, ચા-ગરણી, સ્ટીલ ટોપ સેટ, સ્ટીલ બાલદી સેટ, ખાંડણી દસ્તો, લીંબુ સંચો, વોટર જગ, અથાણા સેટ, સ્ટ્રીલ ટ્રે, ખમણી, ટ્રોલીબેગ (સુટકેશ), જારો, બાજોઠ, પાટલો-વેલણ, ટિપોઇ, સર્વિંગ સ્પૂન સેટ, બાથરૂમ સેટ, ખુરશી નંગ-4, સોસપાન અને પાઉંભાજી મેસર સહિતની જીવન ઉપયોગી ચીજ વસ્તુ કરિયાવર સ્વરૂપે ભેટ અપાશે.
સમૂહલગ્ન માટે સમાજના સભ્યોનું અનુદાન
દેવળી દેદાજી, પીપળી, પણાંદર, આલીદર, સરખડી, નવાગામ, કડોદરા, પાંચ પીપળવા, કડવાસણ, પેઢાવાડા, માલગામ, અડવી, ચૌહાણની ખાણ, મિતિયાજ, આદપોકાર, અરણેજ, સોનપરા, સાંઢણીધાર, આણંદપુર, ગીર દેવળી, બોડીદર, જીથલા, ફાચરીયા, મટાણા, વડનગર, ગોહિલની ખાણ, જમનવાડા, કાણકીયા, દુદાણા, ભુવાટીંબી, સયાજી રાજપરા, જંત્રાખડી, વેળવા, ઝાંઝરીયા, ખાપટ, ધામળેજ, મોરવડ, કણજોતર, કણેરી, ભિયાળ અને રંગપુર ગામના સમાજના સભ્યોએ આ સમૂહલગ્ન માટે અનુદાન આપ્યુ છે.



