માણાવદરના મટીયાણામાં એપ્રોચ ગટરના કામમાં ભ્રષ્ટાચારની બૂ…
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદર તાલુકાના મટીયાણા ગામે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 3.37 લાખના ખર્ચે પાદરના સંપથી સરોડ જતા રસ્તા સુધી એપ્રોચ ગટરનું કામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ કામ ખૂબ જ નબળું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
- Advertisement -
આથી ખાનગી એન્જિનિયરોની સલાહ લઈને આ થયેલ કામગીરીની તપાસ કરવામાં આવી હતી. આ એપ્રોચ ગટરનું કામ એસ્ટીમેન્ટ અને કામગીરી કરવામાં આવી હોય છે તે એમબી બુકમાં નોંધ કરવાની હોય છે જે કામ તપાસતા સ્થળ ઉપર તેવું કામ ન હોવાનું જાણવા મળી રહ્યું છે અને કામ ખૂબ જ નબળું હોવાનું પણ જોવા મળી રહ્યું છે. આ કામમાં જે નિયમ મુજબ દોઢ મીટર જેટલું ખોદાણ કરવાનું હોય છે ત્યારબાદ પાઇપ નાખવાના હોય છે પરંતુ અહીં તો જમીન ઉપર જ પાઇપ દેખાતા હોવાનું સામે આવી રહ્યું છે ઉપરાંત જે ચેમ્બરો બનાવવાની હતી તે પણ ન હોવાનું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત જે પાઇપો નાખવામાં આવ્યા છે તે તૂટી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે 3.37 લાખના ખર્ચે બનેલ આ એપ્રોચ ગટરના કામમાં ઉપયોગમાં લેવાયેલ પાઇપ સહિતનું મટીરીયલની ગુણવત્તા ની તપાસણી કરવી જરૂરી છે અને તો જ સત્ય બહાર આવી શકશે.
આ અંગે ગામના આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અમિતભાઈ બોરખતરીયા એ જણાવ્યું હતું કે જે કામ 300 મીટર જેવું કરવાનું એસ્ટીમેન્ટ અને એમબી બુકમાં દર્શાવે છે પરંતુ સ્થળ ઉપર માત્ર 100 મીટર જેટલું જ દેખાય છે. આ ઉપરાંત જે પાઇપના ભૂંગળા નાખવામાં આવ્યા છે તેમાંથી 50% જેટલા તો અત્યારે દેખાતા પણ નથી ત્યારે આ કામમાં તપાસ કરવામાં આવે તો ગેરરીતી બહાર આવી શકે. આ અંગે ગામના પૂર્વ સરપંચ રાજુભાઈ રામભાઈ જણાવ્યું હતું કે આ કામ 15માં નાણાપંચ માંથી કરવામાં આવેલ છે તેમજ આ કામ માં ખૂબ જ મોટો ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે એમબી બુકમાં જે વિગત દર્શાવી છે તેવું કંઈ કામ સ્થળ ઉપર દેખાતું પણ નથી ત્યારે આ અંગે મેં ડીડીઓને લેખિત રજૂઆત ઉપરાંત માણાવદર ટીડીઓને મૌખિક રજૂઆત પણ કરેલ છે છતાં આ કામની કોઈ તપાસ કરવામાં આવતી નથી ત્યારે તંત્ર કેમ ઢાંક પીછેડો કરે છે તેનું કારણ શું?