અમરેલી પોલીસની ૬૩૫ કરોડના સાયબર ફ્રોડ તપાસમાં બહાર આવી ચોંકાવનારી વિગતો
રોકાણકારોએ SP સંજય ખરાત અને ASP જયવીર ગઢવીને ફોન કરી ફરિયાદો નોંધાવી
- Advertisement -
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રોકાણકારો ભોગ બન્યાનું તપાસમાં બહાર આવ્યુ
પોલીસ હાલ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ એપ્લિકેશન્સ, બેન્ક ખાતા, કંપનીઓ, નાણાંના વ્યવહારો અને રેફરલ નેટવર્કની કડીની તપાસ કરી રહી છે
અમરેલી પોલીસે કરોડો રૂપિયાના ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. SD Pay અને apna pay પે નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે રોકાણકારોને ઊંચું વળતર આપવાની લાલચ આપી લાખો રોકાણ કરો સાથે છેતરપિંડી કરી ઠગાઇ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે છ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ASP જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે તપાસ દરમિયાન અમરેલીમાં SD Pay કૌભાંડમાં ઠગાઇનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે. પોલીસ તપાસ મુજબ આ કૌભાંડમાં આશરે રૂ. 635 કરોડની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં ઓનલાઈન રોકાણ અને ઝડપી કમાણીની લાલચ આપીને લોકોને છેતરપિંડીમાં ફસાવવાના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ નેટવર્કમાં દોઢ લાખથી વધુ લોકો જોડાયા હોવાનો પોલીસનો દાવો છે. આ સાયબર કૌભાંડમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીને ધવલ પટેલને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને હજુ કોઈપણ વ્યક્તિ આ SD Pay મહા સાઇબર ફ્રોડ કૌભાંડમાં સંડોવાયેલા હોય તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, સાયબર ફ્રોડ કૌભાંડનું ગુજરાત બહારના રાજ્યો સુધી આ કૌભાંડ મળી આવ્યું છે. આ કૌભાંડમા આંતરરાજ્ય કનેક્શન મળ્યું છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MP ના લોકોએ આ એપમા નાણાં રોક્યા હતા. અને છેલ્લા છ મહિનાથી નાણા પરત ન મળતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. લોકોએ અમરેલીના એસપી સંજય ખરાત અને એ.એસ.પી જયવીર ગઢવીને ફોન કરી ફરિયાદો નોંધાવી છે.
આ કૌભાંડમાં સૌથી વધારે ઉતર ગુજરાત, અને સૌરાષ્ટ્રના લોકોના સૌથી વધુ નાણાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ SD Pay એપ્લિકેશન મારફતે લોકોને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત લોકોને જણાવવામાં આવતું હતું કે તેઓ એપમાં નાણાંનું રોકાણ કરશે તો તેમને દરરોજ આકર્ષક વળતર મળશે. શરૂઆતમાં નાની રકમથી લોકોને જોડવામાં આવતા અને ત્યારબાદ વધુ રકમનું રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાની તપાસમાં વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં રેફરલ નેટવર્ક મારફતે દોઢ લાખથી પોણા બે લાખ જેટલા લોકો જોડાયા હોવાની વિગતો સામે આવી છે. કૌભાંડની તપાસ દરમિયાન પોલીસને નાણાંની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી અનેક કંપનીઓ અને બેન્ક ખાતાઓ અંગે માહિતી મળી છે. આ કંપનીઓ સાથે જોડાયેલા આશરે 15 બેન્ક ખાતાઓમાં ₹635 કરોડ જેટલી રકમના વ્યવહારો અથવા જમા રકમ મળી આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
- Advertisement -
તપાસ આગળ વધતાં કૌભાંડનો આંકડો વધવાની શક્યતા : ASP જયવીર ગઢવી
આ સમગ્ર મામલે ખાસ-ખબર ન્યૂઝના રીપોર્ટર દ્વારા અમરેલીના એએસપી જયવીર ગઢવી સાથે કરવામાં આવેલી ટેલીફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમરેલી પોલીસે એક ખૂબ જ મોટું અને ચોંકાવનારું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપી પાડ્યું છે. સમગ્ર કૌભાંડનો અંદાજિત આંકડો રૂ. 635 કરોડ જેટલો સામે આવ્યો છે. ‘SD Pay’ અને ‘Apna Pay’ નામની મોબાઇલ એપ્લિકેશન્સ મારફતે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી અને તેના આધારે લાખો રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. આ મહા-કૌભાંડમાં સંડોવાયેલા 6 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓ અને નાણાંની હેરાફેરીના સમગ્ર નેટવર્ક અંગે તપાસ ચાલુ છે. પોલીસ હાલ કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ એપ્લિકેશન્સ, બેન્ક ખાતાઓ, કંપનીઓ, નાણાંના વ્યવહારો અને રેફરલ નેટવર્કની કડીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભોગ બનનાર લોકોની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે આગામી સમયમાં ઠગાઈનો આંકડો રૂ. 635 કરોડથી પણ વધુ વધી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. મુખ્ય આરોપી ધવલ પટેલ સહિત અન્ય કોઈ વ્યક્તિ આ SD Pay મહા સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવાયેલી છે કે કેમ, તે અંગે પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ આગળ વધતાં આ વિશાળ ઓનલાઈન રોકાણ કૌભાંડ અંગે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે.




