રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીમાં વિવાદ ગરમાયો : માધાપર જૂથની બેઠક પર જીત બાદ રાજકીય ઘમાસાણ
એક મતદારે અપહરણનો આરોપ લગાવતા ચૂંટણી વિવાદે નવો વળાંક લીધો
- Advertisement -
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી વિવાદિત બનતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. માધાપર જૂથની બેઠક પર ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા ક્ષત્રિય સમાજના ભામાશા ગણાતા પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા સામે
વિજય સખીયાની જીત થતાં વિવાદ વધુ વકર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ વિજય સખીયા ભાજપના કાર્યકર્તા ન હોવાનું નિવેદન આપ્યા બાદ વિજયભાઈએ મીડિયા સમક્ષ આવી પોતે વર્ષોથી ભાજપના સક્રિય
કાર્યકર્તા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. સાથે જ ભાજપ દ્વારા અપાયેલું વ્હીપ પણ જાહેર કરી જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
વિજય સખીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી દરમિયાન પાર્ટી તરફથી તેમને પહેલા ઉમેદવારી ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું હતું અને તમામ ઉમેદવારો પાર્ટીના જ હોવાનું જણાવાયું હતું. જોકે બાદમાં ફોર્મ
પરત ખેંચવાના સમયે અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા તેમણે પોતાનું ફોર્મ યથાવત્ રાખ્યું હતું. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, જો તેઓ ભાજપના કાર્યકર્તા ન હોય તો પાર્ટી દ્વારા તેમને વ્હીપ શા માટે
આપવામાં આવ્યું? વિજય સખીયાએ દાવો કર્યો હતો કે તેઓ વર્ષ 2016થી ભાજપના સક્રિય કાર્યકર્તા છે અને નાગદાનભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ હતા તે સમયગાળા દરમિયાન રાજકોટના પડધરી તાલુકા ભાજપના
પ્રભારી તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. વિજય સખીયાએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદન સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, પક્ષના અન્ય ઉમેદવારો સિવાયના ઉમેદવારને ભાજપના કાર્યકર્તા
તરીકે ન ગણવાની માનસિકતા યોગ્ય નથી. તેમણે પ્રદેશ ભાજપ સમક્ષ પણ પોતાની રાજકીય અને સંગઠનાત્મક કામગીરીની હિસ્ટ્રી તપાસવાની માંગ કરી હતી.
મીડિયા સમક્ષ વિજય સખીયાએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે પૂરાવા વિના આર્થિક વ્યવહારો કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે પ્રદેશ ભાજપને આ મુદ્દે તપાસ કરવાની માંગ કરતા કહ્યું હતું કે, જિલ્લા
પંચાયતના સભ્યોને પૂછવામાં આવે કે અલ્પેશભાઈએ કોની સાથે અને કયા પ્રકારના આર્થિક વ્યવહારો કર્યા છે. વિજય સખીયાએ આક્ષેપ કર્યો હતો કે રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં તેમના મતદારો હાજર રહ્યા
હતા અને બે વ્યક્તિઓએ તેમના પક્ષમાં સેન્સ પણ આપી હતી. તેમ છતાં સ્થાનિક સ્તરે કેટલાક આગેવાનોના કહેવાથી અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સમગ્ર
નિર્ણય ઉપરથી લેવામાં આવ્યો હોવાનું તેમને લાગતું નથી, પરંતુ સ્થાનિક સ્તરે બે-ત્રણ લોકો દ્વારા પ્રક્રિયા ચલાવવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અને જિલ્લા
પ્રભારી ભરતભાઈ આર્યાના નામનો ઉલ્લેખ કર્યો હતો. વિજય સખીયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી દરમિયાન કેટલાક મતદારો પર દબાણ લાવવામાં આવ્યું હતું. અમુક મતદારોને સાથે ન રહેવા અથવા તો પાર્ટીમાંથી
રાજીનામું આપી દેવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠનને અપીલ કરતા જણાવ્યું હતું કે, તેમની રાજકીય અને પક્ષ પ્રત્યેની કામગીરીની સંપૂર્ણ હિસ્ટ્રી તપાસવામાં
આવે અને જો તેમણે ક્યારેય પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી હોય તો તે જાહેર કરવામાં આવે.
- Advertisement -
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીમાં વિજય બાદ ભાજપના કાર્યકર્તા હોવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે ગંભીર રાજકીય આક્ષેપો અને મતદારના અપહરણના દાવા સુધી પહોંચ્યો છે. વિજય સખીયાએ પક્ષના પ્રદેશ નેતૃત્વ સમક્ષ
સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરી છે.
જયેશ રાદડિયા સાથે પારિવારિક સંબંધો છે : વિજય સખીયા
વિજય સખીયાએ પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સાથે પારિવારિક સંબંધો હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી સંબંધો છે અને પરસ્પર સહકાર રહ્યો છે. જોકે રાજકોટ-લોધિકા સંઘની આ ચૂંટણીમાં
કોઈ ખાસ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ કે ગોઠવણ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે અરવિંદભાઈના અગાઉના નિવેદનનો જવાબ આપતા પણ સવાલ ઉઠાવ્યો હતો કે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન શહેરના હોદ્દેદારોને
પૂછવામાં આવે કે કોણે કઈ પાર્ટી માટે અને ક્યાં કામગીરી કરી હતી તેમજ કોણે પક્ષ વિરુદ્ધ કામ કર્યું હતું.
મતદાર લખમણભાઈ વિરાણીનો ગંભીર આરોપ: ‘મારું અપહરણ કરી દ્વારકા લઈ જવાયો’
આ સમગ્ર ચૂંટણી વિવાદ વચ્ચે મતદાર લખમણભાઈ વિરાણીએ પણ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા અને ચેતન પાણના કહેવાથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
લખમણભાઈ વિરાણીએ દાવો કર્યો હતો કે, સહી કરવાની હોવાનું કહી તેમને તેમની વાડીમાંથી પકડી ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને દ્વારકા લઈ જવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. દ્વારકા પહોંચ્યા
બાદ તેમણે પોતાના સરપંચને ફોન કરીને પોતે ત્યાં હોવાની જાણ કરી હતી અને તેમને લેવા આવવા માટે કહ્યું હતું. જોકે લખમણભાઈ વિરાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેમને પૈસાની કોઈ લાલચ
આપવામાં આવી નહોતી.




