રાજકોટમાં રોકાણકારોની સંખ્યામાં 46.2%નો જબરદસ્ત વધારો
શેરબજારની રોનક નાના જિલ્લાઓ અને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી
- Advertisement -
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના તાજેતરનાં આંકડા અનુસાર, દેશનાં અન્ય તમામ મોટા રાજ્યોની સરખામણીએ જુલાઈ મહિનામાં ગુજરાતમાં શેરબજારમાં સક્રિયપણે રોકાણ કરનારા વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં સૌથી ઝડપી વધારો નોંધાયો છે. માત્ર એક જ મહિનામાં ગુજરાતમાં સક્રિય રોકાણકારોની સંખ્યા ૧૯.૫ ટકા વધીને ૧૯.૫ લાખે પહોંચી છે. આ સાથે જ દેશનાં કુલ સક્રિય રોકાણકારોમાં ગુજરાતનો હિસ્સો વધીને ૧૫.૨ ટકા થઈ ગયો છે. મહારાષ્ટ્ર ૨૦.૯ લાખ સક્રિય રોકાણકારો સાથે દેશમાં પ્રથમ ક્રમે જાળવી રહ્યું છે, પરંતુ જૂનની સરખામણીએ ત્યાં માત્ર ૧ ટકાનો સામાન્ય
વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશ ૧૧.૪ લાખ રોકાણકારો સાથે ત્રીજા સ્થાને છે. જોકે, ટોચનાં ૧૦ રાજ્યોમાં ગુજરાત પછી રાજસ્થાનમાં પણ રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે, જ્યાં જુલાઈમાં ૧૪ ટકાનો વૃદ્ધિદર નોંધાયો હતો. રોકાણકારોની સંખ્યાની સાથે સાથે શેરોની લે-વેચ (ઈક્વિટી કેશ ટર્નઓવર)માં પણ ગુજરાતીઓએ નવો રસ્તો કંડાર્યો છે. જુલાઈ મહિનામાં ગુજરાતના રોકાણકારોએ રૂ. ૧.૯ લાખ કરોડનું ટર્નઓવર કર્યું હતું, જે જૂન કરતાં ૨.૯ ટકા વધુ છે. જોકે મહારાષ્ટ્ર રૂ. ૩.૪ લાખ કરોડનાં કારોબાર સાથે આગળ છે, પણ જૂનની સરખામણીએ તેના ટર્નઓવરમાં ૨ ટકાનો ઘટાડો
નોંધાયો હતો.
ગુજરાતની આ સફળતામાં રાજ્યનાં મુખ્ય શહેરોનો બહુ મોટો ફાળો રહ્યો છે. અમદાવાદ ૪.૫ લાખ સક્રિય રોકાણકારો સાથે દેશભરનાં શહેરોમાં બીજા નંબરે રહ્યું છે. સૌથી મોટું સરપ્રાઇઝ રાજકોટ શહેરે આપ્યું છે, જ્યાં સક્રિય રોકાણકારોની સંખ્યા એક જ મહિનામાં ૪૬.૨ ટકા વધીને ૧.૯ લાખ થઈ ગઈ છે.
આ જબરદસ્ત ઉછાળાના કારણે રાજકોટે દેશના ટોપ-૧૦ શહેરોની યાદીમાંથી કોલકાતાને બહાર કરીને પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ સિવાય સુરતમાં પણ ૨૩.૧ ટકાના વધારા સાથે રોકાણકારોની સંખ્યા ૩.૨ લાખે પહોંચી છે. બજારના નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, માર્ચ
મહિનામાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં તણાવ અને યુદ્ધની સ્થિતિના કારણે શેરબજારમાં ભારે કડાકો બોલી ગયો હતો. પરંતુ હવે શેરબજાર ફરી રિકવર થઈ રહ્યું છે અને બજારમાં આવી રહેલાં અવનવા આઈપીઓને કારણે પણ નાના અને સરેરાશ રોકાણકારો ફરીથી સક્રિય થઈને રોકાણ કરવા લાગ્યા છે. આંકડાઓ દર્શાવે છે કે શેરબજારની આ રોનક હવે માત્ર મોટા મેટ્રો શહેરો સુધી સીમિત નથી રહી, પરંતુ દેશનાં નાના-નાના જિલ્લાઓ અને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. જુલાઈ મહિનામાં દેશનાં કુલ સક્રિય રોકાણકારોમાંથી અડધાથી વધુ (લગભગ ૫૧ ટકા) રોકાણકારો નાના અને શહેરો અને જિલ્લાઓમાંથી આવ્યાં છે.




