સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. મંગળવારે રેડ ઝોનમાં બંધ થયા બાદ, બુધવારે માર્કેટ ઓપનિંગની સાથે જ કિંમતી ધાતુઓના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા હતા. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ચાંદીનો ભાવ એક તબક્કે ઉછળીને રૂ. 2,72,628 પ્રતિ કિલો પર પહોંચ્યા બાદ અચાનક ગગડીને રૂ. 2,66,200 પર આવી ગયો હતો. આમ, એક જ ઝાટકે ચાંદીના ભાવમાં રૂ. 4,428 પ્રતિ કિલોનો જંગી ઘટાડો નોંધાયો છે. ચાલુ સપ્તાહના માત્ર 3 દિવસમાં જ ચાંદી રૂ. 5,646 જેટલી સસ્તી થઈ ચૂકી છે. જાન્યુઆરીના તેના ઓલ-ટાઇમ હાઈ લેવલ રૂ. 4,57,328 ની સરખામણીએ ચાંદી અત્યાર સુધીમાં રૂ. 1,91,128 પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.
ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. MCX પર સોનું તેના અગાઉના બંધ ભાવ રૂ. 1,57,616 પ્રતિ 10 ગ્રામથી ઘટીને બુધવારે રૂ. 1,56,953 પર આવી ગયું હતું. એટલે કે 24 કેરેટ સોનાના ભાવમાં રૂ. 600થી વધુનો ઘટાડો નોંધાયો છે. 5 જૂનની એક્સપાયરી વાળું વાયદા સોનું તેના હાઈ લેવલ રૂ. 2,02,984 થી અત્યાર સુધીમાં રૂ. 46,031 જેટલું નીચે આવી ગયું છે.
- Advertisement -
સ્થાનિક બજાર (દિલ્હી) ની સ્થિતિ
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઇટ મુજબ, ઘરેલું બજારમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો રેટ રૂ. 1,57,611 થી ઘટીને રૂ. 1,57,040 પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યો હતો. જ્યારે દિલ્હીના હાજર બજારમાં ચાંદી મંગળવારના બંધ ભાવ રૂ. 2,66,213 ની સરખામણીએ રૂ. 4,503 તૂટીને રૂ. 2,61,710 પ્રતિ કિલો પર ખૂલી હતી.
કેમ ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ?
- Advertisement -
બજારના નિષ્ણાતોના મતે સોના-ચાંદીના ભાવમાં આ મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તકરાર અને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને કારણે હોર્મુઝની ખાડી પર ચિંતા વધી છે. આ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકી ડોલર વધુ મજબૂત થઈ રહ્યો છે, જેના લીધે સોના અને ચાંદી પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત લાંબા સમયથી ચાલી રહેલી તેજી બાદ હવે મોટા રોકાણકારો બજારમાંથી નફો વસૂલ (Profit Booking) કરી રહ્યા હોવાથી કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.




