વડાપ્રધાનએ રાજકોટના લાભાર્થી નયનાબેન જોશી સાથે ઓનલાઈન કર્યો સંવેદનાસભર સંવાદ
રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે દાહોદ ખાતે રાજ્યકક્ષાના વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમમાં ઓનલાઈન વિડીયો માધ્યમથી સહભાગી થઈને ગુજરાતના વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જે પૈકી રાજકોટના એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારક નયનાબેન ભાવેશભાઇ જોશી સાથે પણ પ્રધાનમંત્રી એ સંવેદના સભર સંવાદ કર્યો હતો.

- Advertisement -
વડાપ્રધાનએ લાભાર્થી નયનાબેન સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાજકોટનો હું ઋણી છું. રાજકોટથી ચૂંટાઈને લોકોએ ધારાસભ્ય તરીકે બહુમાન આપ્યા અંગેના સંસ્મરણો પણ તેમણે વ્યક્ત કર્યા હતા.
લાભાર્થી નયનાબેન શું કામકાજ કરે છે તે અંગે સંવાદ કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. બાળકોને અભ્યાસ કરાવવા તેમજ સરકારની યોજનાનો લાભ લેવા તેમજ નયનાબેન જેવા પરિવારોના અમારા પર આશિર્વાદ છે, તેમ જણાવ્યું હતું.
- Advertisement -

કોરોના કાળમાં વિનામૂલ્યે અનાજ મળ્યું તે અંગે પરિવારમાં ખુબ ખુશી છે, તેમ નયનાબેનએ વડાપ્રધાન ને સંવાદ દરમિયાન જણાવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે નયનાબેન રૈયા વિસ્તારમાં શાળામાં સાફ સફાઈનુ કામ કરે છે. વડાપ્રધાન સાથે સંવાદ કરવાનો અવસર મળતા નયનાબેને ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં ગવર્મેન્ટ એમ્પ્લોય સ્ટોર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ સમારોહ યોજાયો હતો. જ્યાં નયનાબેન સહિતના રાજકોટના લાભાર્થી રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે પાંચ કિલો અનાજની બેગ મંત્રી આર.સી.ફળદુ અને અન્ય મહાનુભાવોના હસ્તે વિતરિત કરવામાં આવી હતી.


