બહુચરાજીના દેલવાડાની ૪ વર્ષની બાળકીએ વડનગર સિવિલમાં દમ તોડ્યો : કુલ ૧૪ મોત
શનિવારે તાવ અને ઉલટીના કારણે બાળકીને દાખલ કરી હતી
- Advertisement -
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. બહુચરાજી તાલુકાના દેલવાડા (ખાંટ) ગામની ચાર વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત(૨૮ જુલાઈ) રાત્રે કરૂણ મોત નિપજ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે નોંધાયેલું આ પ્રથમ મોત હોવાથી આરોગ્ય તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ ૧૪ બાળકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ દેલવાડા (ખાંટ) ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની બાળકીને રવિવારે(૨૬ જુલાઈ)અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના લક્ષણો શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગે તેના બ્લડ સેમ્પલ ચકાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા. સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.
વડનગરના પીડિયાટ્રિક ડોકટર પ્રજ્ઞાબેને જણાવ્યું કે બાળકીનો ચાંદીપુરા પોઝિટિવ હતો. શનિવારથી તાવ આવ્યો હતો. ઊલટીઓ થયા બાદ બાળકી ઘરે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે ખેંચ ચાલુ થઈ ગઈ હતી. મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ઈંઈંગમાં એડમિટ કરવામાં આવી.ત્યારબાદ રવિવારે જ વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, પરંતુ તેના રિપોર્ટ બહુ ખરાબ આવી રહ્યા હતા.
- Advertisement -
દેલવાડા ગામના 250થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ
આ ઘટના બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૌશિક ગચરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ હતી. તંત્ર દ્વારા બાળકીના ઘર સહિત સમગ્ર દેલવાડા ગામના ૨૫૦થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાયરસના ફેલાવાને અટકાવવા માટે ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ, દીવાલો પર ઈન્સેટિસાઈડ સોઇંગ અને સ્પ્રેઇંગ સહિતની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.




