ગાંધી પરિવારે નેતૃત્વ છોડીને સ્વીકાર્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ
10 વર્ષમાં 177 સાંસદો-ધારાસભ્યો સહિતના નેતાઓ કોંગ્રેસ છોડી ગયા જે સૌથી શરમજનક વાત
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના શરમજનક પરાજય બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે ફરી એક વખત નેતૃત્વને લઈને સવાલો ઉભા કર્યા છે. તેમણે કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈને ગાંધી પરિવાર ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં ગાંધી પરિવાર નેતૃત્વ છોડી દે તેવું તો કહ્યું છે સાથે સાથે કોઈ અન્ય નેતાને આગેવાની સોંપવાની વાત પણ કહી છે.કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ઉપર હુમલો કરતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ‘ઘરની કોંગ્રેસ’ની જગ્યાએ ‘સૌની કોંગ્રેસ’ બને. તેમણે કહ્યું કે આ વખતના પરિણામોએ મને બિલકુલ આશ્ચર્યચકિત કર્યા નથી કેમ કે મને આ વાતનો અંદાજ પહેલાંથી જ હતો.
- Advertisement -
આપણે 2014થી સતત નીચે જઈ રહ્યા છે અને એક-એક રાજ્ય ગુમાવી રહ્યા છીએ. જ્યાં આપણે સફળ થયા ત્યાં પણ આપણે આપણા કાર્યકરોને સાથે રાખી શક્યા નથી. દરમિયાન કોંગ્રેસના અમુક ટોચના નેતાઓનું પલાયન પણ થઈ ગયું છે જેમને નેતૃત્વનો ભરોસો હતો તે કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે.2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ નેતૃત્વના નજીકના લોકોએ તેમનો સાથ છોડી દીધો છે. હું આંકડાઓ જોઈ રહ્યો હતો. એ ધ્યાન રાખવું અત્યંત રસપ્રદ છે કે 2014થી અત્યાર સુધીમાં લગભગ 177 સાંસદ-ધારાસભ્યોની સાથે સાથે 222 નેતાઓ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. આપણે ઈતિહાસમાં કોઈ અન્ય રાજકીય પક્ષમાં આ પ્રકારનું પલાયન જોયું નથી.


