છેલ્લા 2 વર્ષથી કોરોનાનાં કારણે શહેરમાં ઇમ્યુનિટી બૂસ્ટર ચીકીની ખુબ માંગ
કોરોનાને કારણે વિદેશમાં ચીકી મોકલવામાં મુશ્કેલી, 10થી 15 ટકા ભાવવધારો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં શિયાળાની કાતિલ ઠંડીમાં ચીકી બજાર ખુબ ગરમ છે.ખાસ કરીને સદર બજારમાં પ્રખ્યાત દૂકાનોમાં સારી એવી ભીડ જોવા મળે છે. શિયાળાની ઋતુને આખા વર્ષ માટેની તંદુરસ્તી ભેગી કરવાની સીઝન માનવામાં આવે છે. કાજુ, દાળિયા, તલ, ખજૂરની બનેલી ચીકી હોય તો એનાથી વધુ સ્વાસ્થ્યપ્રદ શું હોઈ શકે ? છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળના કારણે લોકોમાં ઇમ્યુનિટી વધારવા સાથે ચીકીનો સ્વાદ પણ લોકો માળી રહ્યા છે. જેથી રાજકોટમાં ઇમ્યુનિટી બૂસ્ટર ચીકીની બોલબાલા જોવા મળી રહી છે. કોરોનામાં તંદુરસ્ત રહી વાર-તહેવારે ખાવાની વાનગીઓમાં પણ ઇમ્યુનિટી બૂસ્ટર વસ્તુઓનો ઉમેરો કરી આરોગ્યની કાળજી લેવામાં પણ રાજકોટવાસીઓ જરા પણ પાછળ રહેવા માગતા નથી. એવામાં ઉત્તરાયણ આવી રહી છે ત્યારે ખાવાની વાનગીઓમાં ઇમ્યુનિટી ચીકીનો ઉમેરો થયો છે. એ સિવાય હાલ બજારમાં અવનવી ચીકીઓથી દુકાનો મઘમઘતી થઈ ગઈ છે. કોરોનાને કારણે લોકો ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી તરફ વળ્યા છે. કોરોનાનાં કપરાં બે વર્ષ બાદ આ વર્ષે સારો વેપાર થાય એવી વેપારીઓ આશા સેવી રહ્યા છે. એક સપ્તાહથી હાડ થીજી જાય તેવી ઠંડી સાથે ચીકીના વેપારમાં પણ તડાકો પડયો છે. મકરસંક્રાંતિ નજીક આવતાંની સાથે જ સ્વાદપ્રિય રાજકોટવાસીઓ સીંગ, તલ, દારિયા સાથે અવનવી ચીકીનો સ્વાદ માણી રહ્યા છે.
સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ એવી ચીકી બજારમાં આવી ગઈ
કાજુની, ખજૂરની, તલની ચીકી તો તમે જોઈ જ હશે. પણ આ વખતે બજારમાં બાળકો માટે ખાસ આવી છે બોર્નવિટા ચીકી, ચોકલેટ ચીકી, પાનપરાગ ચીકી, માવા ચીકી, મનમોજી ચીકી અને બીજું ઘણું બધું… નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય અને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ એવી ચીકી બજારમાં આવી ગઈ છે.
- Advertisement -
સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ આરોગવામાં જલસો

શિયાળામાં લોકોને અને ખાસ કરીને ખાવાના શોખીનોને ટેસ્ટી-ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ આરોગવામાં જલસો પડી જતો હોય છે. ત્યારે ચીકી સિવાય બજારમાં ખજૂર, તલની સાની, ડ્રાયફ્રુટસ, અડદિયા, કાટલું, આદુપાક, મેથીપાક, ખજૂર પાક, ગુંદરપાક, અંજીર પાક, તલ-મમરાના લાડુ, ગોળની રેવડી, નમકીન સીંગ, સીંગદાણા પણ આવી ગયા છે.

- Advertisement -
આ વર્ષે ઊંધિયુ મોંઘુ રહેશે
આ વર્ષે ઉત્તરાયણમાં ગરમાગરમ ઊંધિયું ખાવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. શિયાળો છતાં શાકભાજીના ભાવ ના ઘટતા ઉત્તરાયણમાં ઊંધિયું મોંઘુ મળે તેવી શક્યતા છે. પાછલા વર્ષે ઊંધિયું 250 થી 300 રૂપિયા કિલોના ભાવે વેચાતું હતું. પરંતુ આ વર્ષે ભાવ 300 થી 400 રૂપિયા થવાની શક્યતા છે. શિયાળો શરુ થયાના 3 મહિના થયા છતાં પાપડી, લીલા ચણા ચોડી જેવા શાકભાજી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. પાલક મેથી અને લીલા ધાણા પણ 40 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. આ અંગે APMCના પ્રમુખ ભરતસિંહ રાવતનું કહેવું છે કે કેટલાક દિવસો પહેલા શાકભાજીના ભાવ ઘટ્યા હતા છતાં રિટેલ વેપારીઓએ તેમના વેચાણ ઉપર ભાવ ન ઘટાડતા ગ્રાહકોને શાકભાજી મોંઘી મળી રહી છે.



