પતંગ – ફિરકીની ખરીદીમાં આવ્યો અંદાજે 25 ટકા ઘટાડો
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં કોરોનાનાં કેસમાં રોજ વૃદ્ધિ જોવા મળી રહી છે. વળી નજીક ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સતત કોરોનાનાં કેસ વધતા પતંગ બજારમાં જાણે મંદીનો માહોલ સર્જાયો છે. જી હા, રાજકોટની વાત કરીએ તો અહી લોકો રાજ્યનાં તમામ જિલ્લાઓમાંથી આવીને પતંગ અને દોરીની મોટા પાયે ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે સતત કોરોનાનાં કેસમાં વૃદ્ધિએ બજારમાં ખરીદીને અસર કરી છે. રાજકોટ એક એવુ શહેર છે કે જ્યા ઉતરાયણની ખરીદી કરવી લોકો પસંદ કરે છે. અહી બજારોમાં તમને રંગબેરંગી પતંગ અને દોરીની અલગ-અલગ વેરાઇટી મળી જાય છે. કહેવાય છે કે જે એકવાર રાજકોટમાંથી પતંગ-દોરીની ખરીદી કરે છે તે પછી અહીથી જ ખરીદી કરવુ પસંદ કરે છે. પરંતુ આ વર્ષે જાણે લોકોને મનમાં ડર એટલો પ્રસરી ગયો છે કે ઉતરાયણને હવે 2 દિવસ બાકી રહેતા પણ બજારોમાં સન્નાટો છે. વેપારીઓ પણ આ કારણોસર ચિંતામાં આવી ગયા છે. જથ્થામાં લીધેલો માલ-સામાન નફાનાં ઇરાદે વેચાણ કરવા ઉતરેલા વેપારીઓ લાવ્યા ભાવ પણ મળે તો ખુશ થઇ જાય જેવી પરિસ્થિતિની ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં વેપારીઓનું કહેવુ છે કે, તેઓ કોવિડનાં કેસોમાં ઉછાળાને કારણે ગયા વર્ષની સરખામણીમાં પતંગનાં વેચાણમાં ઘટાડો જોઇ રહ્યા છે. એક જથ્થાબંધ વેપારીનું કહેવુ છે, ’જે વેપારીઓએ અગાઉ ઓર્ડર આપ્યા હતા તેઓ હવે કોવિડ પ્રતિબંધોને કારણે તેને રદ કરી રહ્યા છે. વેચાણમાં લગભગ 25% ઘટાડો થયો છે.’ ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ડિસેમ્બર માસમાં જ પતંગનું વેચાણ શરૂ થઈ જાય છે પરંતુ પહેલી વાર એવું બન્યું છે કે, હાલમાં વેચાણ શરૂ થઈ રહ્યું છે. કોરોના બાદ અનેક તહેવાર આવી રહ્યાં છે. તેમાં હાલ સૌથી માઠી અસર પતંગનાં ધંધા પર જોવા મળી રહી છે.
કોરોનાનાં કારણે છેલ્લા બે વર્ષથી રાહુકાળ! ઉત્તરાયણ આ વર્ષે પણ ફિક્કી

ઉત્તરાયણ ગુજરાતનો સૌથી વધુ પ્રચલિત અને પ્રિય તહેવાર છે. સુરત અને અમદાવાદ આ તહેવારોનું મુખ્ય હબ છે. ત્યારે મકરસંક્રાંતિની વાત કરીએ તો સામાન્ય રીતે પાંચ મહિના પહેલાંથી બજારોમાં પતંગ અને દોરીની ડિમાન્ડ ફૂલ થઈ જાઈ છે. જો કે કોરોનાને કારણે તેમાં છેલ્લા બે વર્ષથી રાહુકાળ ચાલી રહ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ તહેવાર ફિક્કો જવાની શક્યતા વર્તાઈ રહી છે. કાચા માલની મર્યાદિત આવક સાથે મજૂરીના ચાર્જ પણ બે ગણો નોંધાયો છે. જેથી પતંગના ભાવમાં નોંધાયેલા 25 થી 35 ટકા જેટલા વધારાને કારણે માલ વેચાશે કે નહીં તે અંગે વેપારીઓમાં ચિંતા છે.
- Advertisement -
પતંગના ભાવ વધ્યા, કારણ કમોસમી વરસાદ

સદરના વેપારીએ કહ્યું કે, પતંગના ભાવમાં વધારાનું કારણ તેની કમાન અને લાકડી છે કે જેને માટે આસામથી વાંસ આવે છે. બાદમાં કોલકત્તામાં સાઈઝ પ્રમાણે કટિંગ થાય છે. ત્યાંથી આ વર્ષે વરસાદને કારણે વાંસ ભીના રહ્યાં હતાં. જેથી માલની શોર્ટેજ જ હતી અને કાગળ માટે જે ઝાડના લાકડાની જરૂર પડે છે તે સરકારના રિસ્ટ્રીકશનને કારણે મોંઘું થયું છે. જેથી પ્રોસેસિંગ કરીને કાગળ પણ ફ્રેશ બની રહ્યાં નથી. જેથી કલરના કાગળની શોર્ટેજ છે. લેબર ચાર્જ પણ બમણા થઈ ગયા છે.


