ભવ્ય રાવલ : લેખક-પત્રકાર
કસોટી માત્ર લખવાની નહીં પણ વિચારવાની, તપાસવાની અને પોતાની મૌલિકતા જાળવવાની છે
- Advertisement -
કોણ સારું લખે છે એ મહત્વનું નથી, AI પાસેથી કોણ સારું લખાવી શકે છે એ મહત્વનું બની ગયું છે
એક સમય હતો જ્યારે લેખકની ઓળખ તેની લેખનશૈલી અને કલ્પનાશક્તિથી થતી હતી તો પત્રકારની ઓળખ તેની તથ્ય શોધવાની ક્ષમતા અને પ્રશ્ન પૂછવાની કળાથી થતી હતી. કોઈ વિષય પર ધારદાર સમાચાર કે એક્સક્લુઝિવ આર્ટિકલ તૈયાર કરવો હોય ત્યારે સંદર્ભો ફંફોસવામાં અને અસરકારક શબ્દોની પસંદગીમાં દિવસોના દિવસો વીતી જતા તો આજે? AIમાં બે વાક્યનો પ્રોમ્પ્ટ આપો એટલે ડ્રાફ્ટ રેડી!
AIએ સાહિત્ય અને પત્રકારત્વનું ચિત્ર ધરખમ રીતે બદલી નાખ્યું છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોટાભાગના કલમકારોની જરૂરિયાત બની ગયું છે. લેખન સાથે સંકળાયેલાઓ માટે AI અઢળક રીતે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. માહિતીનું વર્ગીકરણ, ભાષા-જોડણી સુધારણા, પ્રશ્નાવલી તૈયાર કરવી, લાંબા લખાણનો સાર કાઢવો વગેરે લેખન સંબંધિત કાર્ય ઝડપથી થવા લાગ્યા છે. AIના કારણે લેખન કાર્ય સરળ – સુંદર – ક્ષતિરહિત બન્યું છે.
- Advertisement -
AIને વિષય આપો એટલે.. સમાચાર કે લેખનો ડ્રાફ્ટ તૈયાર કરી આપે. હેડિંગ આપવા કહો, દસ-બાર શીર્ષક આપે. લખાણ લાંબું-ટૂંકું કરવું હોય તો કરી આપે. શૈલી સુધારવી હોય તો સુધારી-મઠારી આપે. ભાષાંતર કરવું હોય તો પણ પળવારમાં કરી આપે. ફોટો-વીડિયો આપો એટલે એ પરથી પણ લખાણ લખી આપે. સમાચાર અને લેખ તો ઠીક કવિતા, ગઝલ, વાર્તા, નવલકથા પણ.. AI શું નથી લખી આપતું? AI લેખનના તમામ પ્રકાર લખી આપે છે!
એટલે જ એક નવી વાત કરું? હવે કોણ સારું લખે છે એ મહત્વનું નથી પણ હવે AI પાસેથી કોણ સારું લખાવી શકે છે એ મહત્વનું બની ગયું છે. અત્યાર સુધી સન્માન એ વાતનું હતું કે કોણ ઉત્તમ અને મૌલિક લખી શકે છે. આ સમીકરણ ધીમે ધીમે એ તરફ સરકી રહ્યું છે કે કોણ સારો આઈડિયા અને સચોટ કમાન્ડ આપી શકે છે. જેની પાસે પરફેક્ટ પ્રોમ્પ્ટ આપવાની આવડત છે, એ જ બેસ્ટ રાઈટર એન્ડ જર્નાલિસ્ટ!
લેખક-પત્રકાર સિવાયના સોશિયલ મીડિયા યૂઝર્સ પણ AI મારફતે કંઈપણ લખાવતા-બોલાવતા થઈ ગયા છે, પોતાના વિચારોને AI પાસેથી વાત સ્વરૂપે લખાવો-બોલાવો અને રજૂ કરી દો.. જોકે AI પાસે મનગમતું-જોઈતું લખાવી-બોલાવી લેવાથી વાત પૂરી નથી થતી. AI ક્યારેક ખોટી માહિતીને પણ એવી રીતે રજૂ કરશે જાણે સનાતન સત્ય હોય. એટલે AIથી લખાવીને સીધું પ્રકાશિત કરી દેવું સાહિત્ય કે પત્રકારત્વ નથી. AIના લખાણને ચકાસવું, તથ્યોની પુષ્ટિ કરવી, મૂળ સ્રોત સુધી પહોંચવું અને જરૂરી હોય ત્યાં માનવીય સંદર્ભ ઉમેરવો એ જવાબદારી લેખક-પત્રકાર સહિત દરેક ક્રિએટિવ આર્ટિસ્ટની છે. કેટલાક આ જવાબદારીમાંથી છટકે છે તેથી સાધન અને સર્જક વચ્ચેની રેખા ભૂંસાઈ જાય છે.
વાસ્તવમાં, સમસ્યા સુપરફાસ્ટ ટેક્નોલોજીની નથી પણ માણસની સર્જનાત્મક આળસ છે. જ્યારે એક લેખક-પત્રકાર પોતાની વિચારવાની, અનુભવવાની, વિશ્લેષણ કરવાની પ્રક્રિયા આખી ને આખી અલ્ગોરિધમને સોંપી દે છે ત્યારે સાહિત્યમાંથી અંતરનો આત્મા અને પત્રકારત્વમાંથી સત્યનો રણકો ગાયબ થઈ જાય છે. AI વ્યાકરણની દૃષ્ટિએ સંપૂર્ણ અને પ્રાસયુક્ત શબ્દોની રચના કરી શકે છે પરંતુ તે ક્યારેય અવાજમાં છલકાતી વેદના, હૃદયના ધબકારા, ઘટના – અકસ્માતની અસ્સલ સ્થિતિ કે ગ્રાઉન્ડ ઝીરો પર ઊભા રહીને મેળવેલા અનુભવ વર્ણવી શકતું નથી.
પત્રકારત્વની ખરી તાકાત ઓફિસના એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને સ્ક્રીન પર આવેલા જવાબોમાં નથી, પીડિત વ્યક્તિની આંખમાં આંખ પરોવીને પૂછાયેલા અણિયાળા પ્રશ્નોમાં સત્યના પ્રહરીનો પરછાયો છે. કોઈ સત્તાધીશના ચહેરા પરનો પરસેવો જોઈને વાત પકડી પાડવી કે દબાયેલા અવાજને વાચા આપવી એ માનવીય સંવેદના અને ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ છે, જે કોઈ ડેટાબેઝમાં સંગ્રહિત નથી. તેવી જ રીતે સાહિત્ય એ માત્ર શબ્દોની સજાવટ નથી પણ જીવનના અંગત ઘાવ, પડાવ, સ્નેહ, સંઘર્ષ અને સંવેદનાઓનો અર્ક છે. AI ક્યારેય કોઈ પોતાનાને ગુમાવવાનું દુઃખ કે પ્રથમ પ્રેમનો રોમાંચ જાતે જીવ્યું નથી, તે માત્ર એ લાગણીઓ પર લખાયેલા શબ્દોનું પૃથક્કરણ કરી શકે છે. એટલે AIનો ઉપયોગ કરો પણ તેના પર સંપૂર્ણ નિર્ભર બની પત્રકારત્વ અને સાહિત્યનું પતન ન કરો, તેને જીવંત રાખો અને સજીવ રહેવા દો દોસ્તો.
ખાસ કરીને અહીં સૌથી મોટો ભય એકસરખાપણાનો છે, કોપી-પેસ્ટનો છે. જો સૌ કોઈ એક જ પ્રકારના મોડેલ્સ અને પ્રોમ્પ્ટ્સ પર નિર્ભર થઈ જશે તો આવતીકાલનું સાહિત્ય અને પત્રકારત્વ માત્ર ભાષાકીય રીતે સજાવેલું પણ એકસરખી બીબાંઢાળ વિચારસરણીવાળું નિર્જીવ લખાણ બનીને રહી જશે. મૌલિકતા એ જ છે જ્યાં માણસ ભૂલ કરે છે, વિચલિત થાય છે અને અણધાર્યા વિચારો રજૂ કરે છે. બેશક AI સરસ લખે છે જ્યારે ખરા સર્જકના લખાણમાં હંમેશાં સત્યમ, શિવમ, સુંદરતમ હોય છે.
AI યુગમાં લેખક-પત્રકારએ એક વાત સ્પષ્ટપણે સમજવી પડશે, AI ઉત્તમ સહાયક હોઈ શકે પણ તે ક્યારેય સર્જક ન બની શકે. કેમેરાની શોધ થઈ ત્યારે ચિત્રકળા મરી નહોતી ગઈ, બલ્કે ચિત્રકારો વધુ ઊંડાણપૂર્વક વિચારતા થયા હતા. બરાબર એવી જ રીતે AIના યુગમાં કલમકારોની કસોટી માત્ર શબ્દો ગોઠવવાની નથી પણ શબ્દોની પાછળ રહેલી નૈતિકતા, પારદર્શિતા અને માનવતા જાળવી રાખવાની છે. AIને પણ ટક્કર આપે એવું લખાણ AI પર સંપૂર્ણ આધાર રાખ્યા વિના લેખક-પત્રકારએ તૈયાર કરવું પડશે. બની શકે ભવિષ્યમાં ક્યારેક AI ન હોય અને AI પર નિર્ભર રહેનારા લેખક-પત્રકાર AI વિના પોતાની કલા દર્શાવી કે કલમ ચલાવી ન શકે. આજથી બે-પાંચ વર્ષ બાદ નહીં પણ થોડા મહિના પછી જ AIની મદદ વિના પહેલાની જેમ જ લખી શકનારા રાઈટર્સ-જર્નાલિસ્ટ વિશે કલ્પના કરવા જેવી છે.




