રેખા પટેલ ( ડેલાવર)
આપણા દરેક માટે બાહ્ય સુંદરતા જીવનનો એક ભાગ છે, પરંતુ કદાચ સુંદરતા કરતાં પણ વધુ મહત્વનું એ છે કે તે દેખાવ સાથે કઈ લાગણી અને કઈ કહાની જોડાયેલી છે.
કેટલીક વખત દેખાવમાં આવેલો બદલાવ અરીસામાં જોવો ગમતો નથી, પરંતુ વર્ષો પછી એ જ ચહેરો તસવીરમાં જોઈએ છીએ ત્યારે એ વહાલો લાગે છે. કારણ કે ત્યાં માત્ર ચહેરો નથી હોતો, એક આખો સમય સચવાયેલો હોય છે.
- Advertisement -
ત્રણ વર્ષ પહેલાં કૈલાસ દર્શન માટે જવાનું સૌભાગ્ય મળ્યું હતું. ઊંચાઈ અને પાતળી હવાને કારણે ચહેરો થોડો વધારે ફૂલી ગયો હતો. દેખાવ ઘણો બદલાઈ ગયો હતો. એ સમયે કદાચ બદલાયેલા ચહેરાને લઈને ખાસ આનંદ નહોતો થયો , પરંતુ આજે એ જ તસવીર સામે આવે છે ત્યારે એને જોવાનું ખૂબ ગમે છે.
કારણ કે એ ચહેરામાં કૈલાસની યાત્રા છે, એ પવિત્ર સ્થળની યાદ છે, એ દિવસોની અનુભૂતિ છે અને મનમાં આજે પણ જીવંત રહેલી કેટલીય મીઠી ક્ષણો છે.
એ તસવીર મને એક વાત સમજાવે છે કે સુંદરતા હંમેશા ચહેરાના નકશામાં નથી હોતી. ઘણી વાર સુંદરતા એ સમયની યાદમાં હોય છે, જે સમય આપણને ફરી મળી શકતો નથી.
સ્ત્રીના જીવનમાં આવો જ એક અનોખો સમય હોય છે—ગર્ભાવસ્થા.
એક સુંદર, પાતળી અને પોતાની કાયાની કાળજી રાખતી યુવતી જ્યારે સગર્ભા બને છે ત્યારે તેના શરીરમાં ધીમે ધીમે ઘણાં બદલાવ આવવા લાગે છે. ચહેરો બદલાય છે, વજન વધે છે, પેટનો આકાર બદલાય છે, શરીરની સુડોળતા ક્યાંક પાછળ રહી જાય છે.
- Advertisement -
પરંતુ આ બદલાવને માત્ર દેખાવની દૃષ્ટિએ જોવો એ કદાચ સ્ત્રી સાથે અન્યાય છે.
કારણ કે એ બદલાયેલા શરીરની અંદર એક નવું જીવન ધબકતું હોય છે. શરીરના બદલાયેલા આકાર જેવું લાગતું એ પેટ, જેમાં એક બાળક પોતાની દુનિયા બનાવી રહ્યું હોય છે. જે વધેલું વજન ક્યારેક તેને અસ્વસ્થ કરે છે, એ જ વજન પાછળ એક નવા જીવનની જરૂરિયાતો પૂરી કરવાની કુદરતી પ્રક્રિયા હોય છે.
ગર્ભાવસ્થામાં સ્ત્રી કદાચ પહેલાં જેવી પાતળી ન દેખાય, પહેલાં જેવી પોતાની જાતને સમય ન આપી શકે. પરંતુ એ સમય તેને એક એવી ઓળખ આપે છે, જે કોઈ મેકઅપ , સૌંદર્ય પ્રસાધન કે આભૂષણ આપી શકતું નથી એ છે માતૃત્વની ઓળખ.
એના ચહેરા પરની થાકની તકલીફની રેખાઓ પણ સુંદર હોય છે, કારણ કે એમાં આવનારા બાળક માટેની રાહ હોય છે. કદાચ એ સમયની તસવીરમાં સ્ત્રી પોતાને ઓછી સુંદર લાગે, પરંતુ વર્ષો પછી જ્યારે એ જ તસવીર પોતાના બાળકનાં બંધાતા જતાં અંશની સાથે જોશે ત્યારે કદાચ એને લાગશે કે એ તેના જીવનના સૌથી સુંદર સમયમાંથી એક હતો.
આપણે ઘણી વાર સુંદરતાને માત્ર દેખાવથી માપીએ છીએ. પાતળું શરીર, ગોરો રંગ, સુંદર ચહેરો, સુડોળ કાયા—આ બધાને સુંદરતાના માપદંડ બનાવી દઈએ છીએ. પરંતુ જીવન આપણને વારંવાર શીખવે છે કે સુંદરતાની વ્યાખ્યા એટલી નાની નથી.
સુંદરતા કદાચ એ નથી કે આપણે કોઈ ક્ષણે કેવા દેખાતા હતા કે દેખાઇ રહ્યા છીએ. સુંદરતા તો એ છે કે એ ક્ષણે અને આજે આપણે શું જીવી રહ્યા છીએ.
જીવનમાં દરેક વસ્તુ સમય સાથે બદલાય છે. ઋતુઓ બદલાય છે, સંબંધો બદલાય છે, સંજોગો બદલાય છે અને સૌથી વધુ તો આપણે પોતે બદલાઈએ છીએ. ઘણી વાર આ બદલાવ આપણને સ્વીકાર્ય નથી હોતો.
અરીસામાં દેખાતો પોતાનો બદલાયેલો ચહેરો આપણને જૂના દિવસોની યાદ અપાવે છે અને મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે—“પહેલાં જેવું બધું કેમ નથી રહ્યું?”
પરંતુ કદાચ દરેક બદલાયેલા દેખાવને અરીસાની નજરથી નહીં, સમયની નજરથી જોવાની જરૂર છે.
ચહેરા પર કરચલીઓની શરૂઆત થાય, વાળમાં સફેદીનો છંટકાવ થાય, આંખોની આસપાસ ઉંમરની રેખાઓ દેખાવા લાગે ત્યારે શરૂઆતમાં એ બદલાવ આપણને ગમતો નથી. આપણને લાગે છે કે સૌંદર્ય ધીમે ધીમે આપણાથી દૂર જઈ રહ્યું છે. પરંતુ સમય પસાર થાય છે ત્યારે સમજાય છે કે એ કરચલીઓ માત્ર ઉંમરની નિશાની નથી. એ જીવનને પૂરેપૂરું જીવવાની નિશાની છે. તેમાં વીતેલા વર્ષોનો અનુભવ છુપાયેલો છે.
ક્યારેક આપણે આજના દેખાવને સ્વીકારી શકતા નથી, પરંતુ દસ વર્ષ પછી આજનો આ જ ચહેરો આપણને ખૂબ વહાલો લાગશે. કારણ કે ત્યારે આ આજનો ચહેરો પણ “યુવાનીનો ચહેરો” લાગશે.
આપણે ઘણી વાર સુંદરતાને માત્ર ચહેરા સાથે જોડી દઈએ છીએ. પરંતુ સાચી સુંદરતા ચહેરા પર દેખાય છે તેના કરતાં ઘણી ઊંડી હોય છે. સ્વભાવ, સંવેદના, સમજદારી, પ્રેમ, સહનશક્તિ અને જીવનના અનુભવો જ વ્યક્તિને ખરેખર સુંદર બનાવે છે.
આથી બદલાવથી ડરવાની કે તેને નકારવાની જરૂર નથી. ઉંમર વધવી એ ખોવાતું જવું નથી એ જીવનમાં કંઈક ઉમેરાતું જવું છે. દરેક સફેદ વાળ એક અનુભવની વાત કરે છે, દરેક કરચલી એક વાર્તા કહે છે અને દરેક બદલાયેલો ચહેરો જીવેલા જીવનની સાક્ષી આપે છે.
એટલે કદાચ પોતાના બદલાયેલા દેખાવને અરીસાની નજરથી નહીં, સમયની નજરથી જોવો જોઈએ.
સુંદરતા ચહેરા પર દેખાય છે, પરંતુ તેનો સાચો અર્થ ઘણી વાર ચહેરાની પાછળ છુપાયેલો હોય છે. અનુભવથી સુંદર બીજું કશું નથી.




