રાજકોટથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ સહિત દેશના અનેક શહેરોમાં કાર્ગો સેવા ઉપલબ્ધ’
દરેક શહેર માટે ન્યૂનતમ ચાર્જ સાથે અલગ-અલગ વજન મુજબ દર નક્કી કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હવે હવાઈ માર્ગે માલસામાન મોકલી શકાશે. એરપોર્ટ પરથી કાર્ગો સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા માટે બે એરલાઈન કંપનીઓ દ્વારા કાર્ગોના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. એક ફ્લાઈટમાં આશરે 2 ટન એમ દરરોજ આશરે 10 જેટલી ફ્લાઈટ ઓપરેટ થાય તો દૈનિક 20 ટન માલસામાન મોકલી શકાશે. આ સુવિધા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે.
જાહેર કરાયેલા ભાવપત્રક મુજબ રાજકોટથી દિલ્હી, મુંબઈ. હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ. કોલકાતા સહિત દેશના અનેક શહેરોમાં કાર્ગો સેવા ઉપલબ્ધ રહેશે. દરેક શહેર માટે ન્યૂનતમ ચાર્જ સાથે અલગ-અલગ વજન મુજબ દર નક્કી કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે રાજકોટથી દિલ્હી માટે 1500 રૂપિયા મિનિમમ ચાર્જ છે. જ્યારે 45 કિલો કરતાં વધારે વજન માટે પ્રતિ કિલો 45 રૂપિયા દર નક્કી કરાયો છે. મુંબઈ, અમદાવાદ અને અન્ય મુખ્ય શહેરો માટે પણ આવા જ દરો જાહેર થયા છે. નવા ભાવપત્રક મુજબ, કાર્ગો મોકલવા માટે પ્રતિ કિલોગ્રામ અને લઘુતમ દર (મિનિમમ) નક્કી કરવામાં આવ્યા છે. હવે રાજકોટથી દેશભરના વિવિધ શહેરોમાં સરળતાથી માલસામાન મોકલી શકાશે. આ નવી સુવિધાથી વેપાર-ઉદ્યોગને વેગ મળશે અને સમયની પણ બચત થશે. વેપારીઓ માટે આ એક મોટી રાહત છે. કારણ કે, હવે તેઓ કુરિયર અથવા અન્ય ટ્રાન્સપોર્ટ સેવાઓ પર ઓછો આધાર રાખી શકશે. આ સેવા શરૂ થવાથી ખાસ કરીને તાત્કાલિક માલસામાન મોકલવાની જરૂરિયાત ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વેપારી અને ઉદ્યોગ વર્ગ માટે આ સેવા એક મોટી રાહતરૂપ બનશે કારણ કે, હવે માલસામાનને ઝડપી ગતિએ અને નિયમિત રીતે દેશના વિવિધ ભાગોમાં મોકલાવી શકાશે.
હાલ આ સેવા માત્ર ડોમેસ્ટિક રૂટ માટે જ ઉપલબ્ધ છે, પરંતુ કસ્ટમ વિભાગ કાર્યરત થયા પછી આંતરરાષ્ટ્રીય કાર્ગો સેવા પણ શરૂ થવાની શક્યતા છે.
- Advertisement -
માલ-સામાન રાત્રે જ સ્વીકારાશે
વેપારી કે ઉદ્યોગપતિને દેશના જુદા-જુદા શહેરમાં માલ-સામાન મોકલવો હોય તો રાજકોટથી તે શહેરના કિલોમીટર અને માલ-સામાનના વજન પ્રમાણે કાર્ગો સર્વિસનો દર નક્કી થશે. આ ઉપરાંત મીનિમમ રૂ.1500 નક્કી કરાયા છે. માલ-સામાન રાત્રે જ સ્વીકારાશે.



