અત્યાધુનિક બાયોલોજીકલ લેબ, કેન્ટીન અને 300 મીટર લાંબો રેસિપિયન્ટ શેડ તૈયાર કરાયો છે, જેમાં પંખા, લાઈટ અને સીસીટીવી કેમેરા સહિતની તમામ સગવડો ઉપ્લબ્ધ
સેન્ટર પર કાંકરેજ, ગીર અને સાહિવાલ જેવી 20થી 30 લિટર દૂધ આપતી દેશી ગાયો તેમજ બન્ની, મહેસાણી અને જાફરાબાદી ભેંસોના સંવર્ધન પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત
- Advertisement -
દેશી ગાયોમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા અને પશુપાલકોની આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દ્વારા ભીલડી ખાતે આશરે ૧૨૫ એકર (લગભગ ૨૫૦ વીઘા) જમીનમાં ₹૩૦૦ કરોડથી વધુના ખર્ચે અદ્યતન નબોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરથ (પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર) કાર્યરત કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણથી ચાર વર્ષના સઘન સંશોધન બાદ આકાર પામેલું આ કેન્દ્ર આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ છે અને તેને એશિયાનું સૌથી મોટું પશુ સંવર્ધન કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રમાં દેશી નસલની ગાયોના સંવર્ધન માટે અદ્યતન એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ (IVF) પદ્ધતિ અપનાવવામાં આવી છે. સામાન્ય રીતે દેશી ગાય વર્ષમાં એક જ વાછરડાને જન્મ આપતી હોય છે, જ્યારે આ વૈજ્ઞાનિક ટેકનોલોજી દ્વારા શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી એક જ ગાયમાંથી વર્ષે આશરે ૫૦ જેટલી ઉત્કૃષ્ટ વાછરડીઓ તૈયાર કરી શકાશે. પ્રથમ વર્ષે ૧૦૦૦૦થી ૨૦૦૦૦ અને ત્યારબાદ પ્રતિ વર્ષ ૨૫૦૦૦ ભ્રૂણ ઉત્પાદન કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પ્રક્રિયાથી હાલ સામાન્ય રીતે ૩થી ૫ લિટર દૂધ આપતી દેશી ગાયોની આવનારી પેઢી ૮થી ૧૦ લિટર કે તેથી વધુ દૂધ આપતી થશે. સેન્ટર પર કાંકરેજ, ગીર અને સાહિવાલ જેવી ૨૦થી ૩૦ લિટર દૂધ આપતી દેશી ગાયો તેમજ બન્ની, મહેસાણી અને જાફરાબાદી ભેંસોના સંવર્ધન પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર પશુપાલકો માટે આર્થિક રીતે પણ ખૂબ લાભદાયી સાબિત થશે. વૈશ્વિક સ્તરે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ₹૪૦૦૦૦થી ₹૫૦૦૦૦ જેટલો થતો હોય છે, જ્યારે બનાસ ડેરી પશુપાલકોને માત્ર ₹૧૦૦૦૦ ના રાહત દરે તેમના ઘરઆંગણે આ સેવા ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત સેક્સ-સોર્ટેડ ડોઝ દ્વારા ૯૦ ટકા વાછરડીઓ જ જન્મે તેવું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી રખડતા ઢોર અને નંદીઓની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવશે.
કેન્દ્રની માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો તેમાં અત્યાધુનિક બાયોલોજીકલ લેબ, કેન્ટીન અને ૩૦૦ મીટર લાંબો રેસિપિયન્ટ શેડ તૈયાર કરાયો છે, જેમાં પંખા, લાઈટ અને સીસીટીવી કેમેરા સહિતની તમામ સગવડો છે. રોગચાળો ન ફેલાય તે માટે કર્મચારીઓ માટે વિશેષ શાવર બિલ્ડિંગ અને સેનિટાઈઝેશન ડ્રેસ કોડ ફરજિયાત બનાવાયો છે. સાથોસાથ પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોલાર રૂફટોપ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જેનાથી વાર્ષિક ૧.૮ મિલિયન યુનિટ વીજળી પેદા થશે, જેમાંથી ૧.૨ મિલિયન યુનિટ સેન્ટરમાં વપરાશે અને બાકીની વીજળી ગ્રીડમાં અપાશે. આ ઉપરાંત ૧૨૦૦ ઘન મીટર કાચો બાયોગેસ ઉત્પન્ન કરી આસપાસના ૪૦૦ પરિવારોને બળતણ પૂરું પાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બનાસ ડેરીના ૨૫૦થી વધુ વેટરનરી તબીબો અને વિજ્ઞાનીઓની મહેનતથી તૈયાર થયેલું આ કેન્દ્ર શ્વેતક્રાંતિ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતની એક નવી ઓળખ ઊભી કરશે.




