ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ ચીન સાથે વેપાર ઘટાડવાની વાતો થઈ રહી છે જ્યારે બીજી બાજુ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં ચીન ખાતેથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત વધીને 6 વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી છે. જો કે આ ગાળામાં ભારત ફિનિશ્ડ સ્ટીલનો એકંદર નેટ નિકાસકાર બની રહ્યો હતો.
એપ્રિલ તથા મેમાં ચીન ભારતનો સ્ટીલનો બીજા ક્રમનો મોટો નિકાસકાર દેશ રહ્યો છે. ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ચીનની ફિનિશ્ડ સ્ટીલની ભારત ખાતે નિકાસ 62 ટકા વધી બે લાખ ટન્સ રહી હતી. આ ગાળામાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની કુલ આયાતમાં 25 ટકા આયાત ચીન ખાતેથી થઈ હતી. એપ્રિલ-મેમાં દેશની ફિનિશ્ડ સ્ટીલની કુલ આયાત 9 લાખ ટન્સ રહી હતી જે 2021 બાદ સૌથી ઊંચી છે અને ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ 27 ટકા વધુ છે.
- Advertisement -
વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ચીન ભારતમાં મોટેભાગે કોલ્ડરોલ્ડ કોઈલ અથવા શીટસની નિકાસ કરે છે. દેશની ફિનિશ્ડ સ્ટીલમાં 30 ટકા હિસ્સો કોલ્ડરોલ્ડ કોઈલ અથવા શીટસનો રહે છે.2016 બાદ ચીન વર્તમાન વર્ષમાં સૌથી વધુ સ્ટીલ નિકાસ કરશે તેવી ધારણાં છે. નબળા યુઆન તથા સ્પર્ધાત્મક ભાવને કારણે વિદેશ વેપારમાં ચીનની સ્થિતિ મજબૂત હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ચીન ખાતેથી સ્ટીલની વધી રહેલી આયાતને જોતા ભારત તેના પર કાઉન્ટરવેલિંગ ડયૂટી લાગુ કરવા વિચારી રહ્યું છે. ચીન ઉપરાંત દક્ષિણ કોરિઆ પણ ભારતમાં સ્ટીલનો બીજો મોટો નિકાસકાર દેશ છે. એપ્રિલ-મેમાં દક્ષિણ કોરિઆની નિકાસનો આંક ચાર લાખ ટન્સ રહ્યો હતો.