શહેરના મહત્વના ચોક-ચોરાહા પર રોશની અને સનાતન ધર્મના ધ્વજો ઝળહળી ઉઠ્યા
વિવિધ વિસ્તારોમાં કૃષ્ણલીલાની જીવંત ઝાંખીઓ સાથે ભવ્ય મંડપો તૈયાર
- Advertisement -
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પવિત્ર જન્માષ્ટમી પર્વને આડે હવે ભક્તિ અને ઉત્સાહનો માહોલ વધુ ઘેરો બન્યો છે. કાનાના જન્મોત્સવની ઉજવણી માટે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી
છે. શહેરના અલગ-અલગ ગ્રુપો અને આયોજકો દ્વારા ચોક-ચોરાહા, શેરીઓ અને મુખ્ય માર્ગોને રોશની, સનાતન ધર્મના ધ્વજ, તોરણો અને વિવિધ પ્રકારની સજાવટથી શણગારવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજકોટ જાણે મથુરા
અને ગોકુળનગરીમાં પરિવર્તિત થયું હોય તેવો ભક્તિમય માહોલ સર્જાયો છે. જન્માષ્ટમીના પર્વને લઈને નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સુંદર અને કલાત્મક મંડપો ઊભા કરવામાં
આવ્યા છે. આ મંડપોમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલા વિવિધ પ્રસંગોને આબેહૂબ રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને પરિવારજનોને આકર્ષે તેવી કૃષ્ણલીલાની જીવંત ઝાંખીઓ અને પંડાલો
તૈયાર કરવામાં આવી રહ્યા છે.
જન્માષ્ટમી નિમિત્તે શહેરના વિવિધ ચોક અને જાહેર સ્થળોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે. મુખ્ય માર્ગો તથા મંડપોની આસપાસ એલ.ઈ.ડી. લાઈટ્સ, રંગબેરંગી ફાનસ, ઝુમ્મરો અને અન્ય સુશોભન સામગ્રીનો ઉપયોગ
કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે આ રોશનીથી સમગ્ર વિસ્તાર ઝગમગી ઊઠે છે અને દિવ્ય વાતાવરણનો અનુભવ થાય છે. અનેક સ્થળોએ સનાતન ધર્મના ધ્વજ અને ધાર્મિક પ્રતિકો સાથે કરવામાં આવેલી સજાવટ પણ
લોકોનું ધ્યાન ખેંચી રહી છે. પરંપરાગત ધાર્મિક માહોલ સાથે આધુનિક લાઈટિંગનું સંયોજન જન્માષ્ટમીની ઉજવણીને વધુ ભવ્ય બનાવી રહ્યું છે.
કૃષ્ણલીલાની ઝાંખીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર
શહેરના વિવિધ પંડાલોમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલા પ્રસંગોને મૂર્તિઓ અને કલાત્મક સજાવટના માધ્યમથી રજૂ કરવામાં આવી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે માતા દેવકી અને પિતા વસુદેવને કેદમાં
રાખવામાં આવ્યા હતા તે જેલના દૃશ્યથી લઈને માખણચોરી, કાલિયા નાગ મર્દન, ગોવર્ધન પર્વત ધારણ અને રાસલીલા સહિતના પ્રસંગોને આબેહૂબ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ઝાંખીઓ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક
બની રહી નથી, પરંતુ નવી પેઢીને ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને તેમની વિવિધ લીલાઓથી પરિચિત કરાવવાનું માધ્યમ પણ બની રહી છે. રાત્રિના સમયે રોશની વચ્ચે આ ઝાંખીઓ વધુ આકર્ષક બનીને ભક્તો અને
મુલાકાતીઓનું ધ્યાન ખેંચશે.
- Advertisement -
પરંપરાગત સજાવટને પણ અપાયું વિશેષ સ્થાન
આધુનિક લાઈટિંગ અને કલાત્મક પંડાલો સાથે પરંપરાગત સજાવટને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ગજરા, આસોપાલવના તોરણ, ગલગોટાના ફૂલો સહિતની કુદરતી અને પરંપરાગત સામગ્રીથી મંડપોને સજાવવામાં
આવી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના હિંડોળા અને ઝૂલાને પણ વિવિધ ફૂલો તથા આકર્ષક સુશોભન સામગ્રીથી તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં સ્થાનિક યુવક મંડળો, ધાર્મિક સંગઠનો અને વિવિધ ગ્રુપો દ્વારા
જન્માષ્ટમીની ઉજવણી માટે દિવસ-રાત તૈયારીઓ કરવામાં આવી રહી છે. પંડાલોની સજાવટથી લઈને રોશની અને ઝાંખીઓની રચના સુધીની કામગીરીમાં કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા છે.




