સરકારે લિથિયમ-આયન સેલ અને ડિસ્પ્લે પર કસ્ટમ ડ્યુટી માફ કરી, માર્ચ 2029 સુધી માન્ય રહેશે
કેન્દ્ર સરકારે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા સ્માર્ટફોન, વાયરલેસ ચાર્જર, કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ જેવા ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં વપરાતા પાર્ટ્સ (કોમ્પોનન્ટ્સ) પરની બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે. આ સાથે જ સરકારે આ પાર્ટ્સ પર મળનારી આયાત ડ્યુટીની છૂટને ૩૧ માર્ચ, ૨૦૨૯ સુધી લંબાવી દીધી છે. સૌથી ખાસ વાત એ છે કે આ નવો નિયમ તાત્કાલિક અસરથી દેશભરમાં લાગુ થઈ ગયો છે. સરકારના આ નિર્ણય અંતર્ગત ડિસ્પ્લે મોડ્યુલ, સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ અને લિથિયમ-આયન બેટરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અનેક મહત્ત્વના પાર્ટ્સ પર કસ્ટમ ડયુટી હટાવી દેવામાં આવી છે. આ છૂટ મળવાને કારણે દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મોટી સફળતા મળશે. આનાથી આગામી સમયમાં આ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે, જોકે તેનો અંતિમ નિર્ણય જે-તે ઇન્ડસ્ટ્રી પર નિર્ભર રહેશે.
- Advertisement -
સરકારના આ પગલાથી ઓટોમોટિવ, મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટમાં વપરાતી ડિસ્પ્લે એસેમ્બલી બનાવતી કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે. ડિસ્પ્લે સેલ, બેકલાઇટ યુનિટ, ક્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ એસેમ્બલી (FPCAs), ફ્રેમ અને એનઆઇસઓટ્રોપિક કંડક્ટિવ ફિલ્મ (ACF) જેવા જરૂરી ઈમ્પોર્ટેડ પાર્ટ્સ પર હવેથી કોઈ કસ્ટમ ડ્યુટી નહીં લાગે. આ ઉપરાંત, સ્માર્ટફોનના વાયરલેસ ચાર્જિંગ મોડ્યુલમાં વપરાતા NFC, કંડક્ટર કોઈલ, નેનો-ક્રિસ્ટલાઈન એસેમ્બલી, E-શીલ્ડ, PET લાઈનર અને ખાસ પ્રકારના મેગ્નેટ (NdFeB) પર પણ ડયુટી મુક્તિ લંબાવવામાં આવી છે.
તૈયાર પાર્ટ્સ આ છૂટમાંથી બહારઃ લોકલ મેન્યુફેક્ચરિંગ વધારવા પર જોર
આ નીતિની એક મહત્ત્વની બાબત એ છે કે સરકારે માત્ર ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટેના કાચા માલ કે સ્પેરપાર્ટ્સ પર જ ઇમ્પોર્ટ યુટી મુક્ત કર્યું છે, પરંતુ બહારથી સીધા મંગાવવામાં આવતા તૈયાર (બનેલા) પાર્ટ્સને આ છૂટમાંથી બહાર રાખવામાં આવ્યા છે. એટલે કે મોબાઇલ ફોન, ટેલિવિઝન, સ્માર્ટવોચ, સ્માર્ટ મીટર કે ઇન્ટરેક્ટિવ ફ્લેટ-પેનલ માટે સીધી વાપરવામાં આવતી તૈયાર ડિસ્પ્લે એસેમ્બલી પર આ ડિસ્કાઉન્ટ લાગુ પડશે નહીં. સરકારનો અસલી હેતુ ભારતમાં એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ બનાવવાનો ખર્ચ ઘટાડવાનો છે, જેથી વિદેશથી આયાત થતી તૈયાર પ્રોડટ્સ પરની નિર્ભરતા ઓછી કરી શકાય. નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી ઇલેક્ટ્રિક વ્હીકલ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં નવું રોકાણ આવશે અને ભારતની સ્થાનિક સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે.




