1 લિટરના નામે ગ્રાહકોને છેતરતા 800 કે 900 ગ્રામના પેકેટ બજારમાંથી હટશે, ગ્રાહક સુરક્ષા વિભાગનો મોટો નિર્ણય
ખાદ્ય તેલ માત્ર 9 નક્કી કરેલા પ્રમાણિત માપમાં જ વેચવાની મંજૂરી
- Advertisement -
ગ્રાહક સુરક્ષા વિભાગે નિયમોમાં મોટો સુધારો કરીને ૧ સપ્ટેમ્બરથી ખાદ્ય તેલના ચોક્કસ માપ વગરનાં (બિન-પ્રમાણિત) પેકેટના વેચાણ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે. અત્યાર સુધી કંપનીઓ ૧ લિટર કે ૧ કિલોના બદલે ૮૦૦ ગ્રામ, ૯૦૦ ગ્રામ કે ૯૧૦ ગ્રામ જેવા ગ્રાહકોને છેતરે અને ગેરમાર્ગે દોરે તેવા માપના પેકેટ બજારમાં વેચતી હતી. કંપનીઓને જૂનો સ્ટોક ખાલી કરવા માટે આપેલો ત્રણ મહિનાનો સમય ૩૧ ઓગસ્ટે પૂરો થઈ ગયો છે. હવે દેશમાં વેચાતા બજારના અને આયાત કરેલા બંને પ્રકારના મુખ્ય ખાદ્ય તેલ પર આ નવો નિયમ ફરજિયાતપણે લાગું થઈ ગયો છે.
સરકારે વધુ એક ટેકનિકલ સમસ્યાનો પણ ઉકેલ લાવી દીધો છે. જો પેકેટ પર જથ્થો લિટર કે મિલિલિટરમાં લખેલો હોય, તો તેની સરખામણીએ જ તેનું સાચું વજન (ગ્રામ કે કિલોગ્રામમાં) પણ સ્પષ્ટપણે લખવું પડશે. નવા નિયમો મુજબ, ખાદ્ય તેલ માત્ર ૯ નક્કી કરેલા માપ (પ્રમાણિત માપ) પર જ વેચી શકાશે. ઓછી આવક ધરાવતા વર્ગ અને એકલા રહેતા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ૨૦૦ મિલિલિટર કે ૨૦૦ ગ્રામથી નાના સસ્તા પાઉચને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે, સાથે જ કેટલાક ખાસ તેલને પણ આ ફરજિયાત નિયમમાંથી છૂટ આપવામાં આવી છે.
પેકેટનું માપ બદલાયા પછી છૂટક કિંમતમાં થોડો તફાવત જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, નિયમ વગરનાં ૮૦૦ કે ૯૦૦ ગ્રામ વાળા પેકેટ હટવા અને પૂરા ૧ લિટરના પ્રમાણિત પેક આવવાથી છૂટક સ્તરે એક પેકેટના ભાવ વધી શકે છે. આ ફેરફારનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકને મળશે. જૂની પદ્ધતિમાં જ્યારે કોઈ ગ્રાહક ૧ લિટરનું પેકેટ સમજીને ૮૦૦ કે ૯૦૦ ગ્રામનું પાઉચ ખરીદતો હતો, ત્યારે ઉપરછલ્લી રીતે પેકેટની કિંમત ૧૦ થી ૧૫ રૂપિયા સસ્તી લાગતી હતી, પરંતુ પ્રતિ લિટર કે પ્રતિ કિલોના હિસાબે તે હકીકતમાં વધુ કિંમત ચૂકવતો હતો. વજન અને માપના તફાવતને કારણે બે અલગ-અલગ બ્રાન્ડ્સ વચ્ચે સાચા ભાવની સરખામણી કરવી અઘરી હતી. ચોક્કસ માપ નક્કી થવાથી સ્થાનિક બજારમાં વધુ પારદર્શિતા આવશે અને ગ્રાહકોનો વિશ્વાસ વધશે.




