ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારોને પકડવા તથા પકડાવવામાં પોલીસ વિભાગને મદદ મળી રહે તે હેતુથી આરોપીઓ ઉપર રૂ.20 હજારથી લઈ 1 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ આરોપીઓને પકડવામાં મદદરૂપ થનાર અથવા તો આ આરોપીઓ અંગે સાચી અને સચોટ, ચોક્કસ બાતમી આપનારની સલામતી માટે માહિતી ગુપ્ત રાખવાની શરતોને આધિન તેઓને પ્રોત્સાહન સ્વરૂપે ઈનામ આપવામાં આવશે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરીફ ગુલમામદભાઈ ધોળા/મીર (રહે. કાલીકા પ્લોટ, નર્મદા હોલ પાસે, સાયન્ટીફિક રોડ, મોરબી) ઉપર રૂ. 1 લાખ ઈનામ, મકસુદભાઈ ગફરભાઈ સમા (રહે. કાલીકા પ્લોટ, નર્મદા હોલ પાસે, સાયન્ટીફિક રોડ, મોરબી) ઉપર રૂ. 40 હજાર ઈનામ, કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા/કુરેશી (રહે. વજેપર મતવા વાસ, મોરબી) ઉપર રૂ. 30 હજાર ઈનામ તથા ટંકારા પોલીસ મથકના ગુનામાં વર્ષોથી ફરાર કમલેશ ડુટિયા ભીલ/આદીવાસી (રહે. કેઈડાવદ, તા.ફુલમાર, જાંબવા, મધ્યપ્રદેશ) ઉપર રૂ. 20 હજાર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
ખ્યાત આરિફ મીર સહિત મોરબીના ચાર ફરાર આરોપીઓ ઉપર ઈનામ જાહેર કરતી પોલીસ



