બ્લોક હેલ્થ ઑફિસર અંધારામાં, યોગ્ય તપાસની જરૂર : વૅક્સિનેશનનાં આંકડા સામે સવાલ ઊભા થયાં
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
માણાવદરમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. માણાવદરનાં ગાંધીચોક નજીકથી કોરોના વેક્સિન અને ઇન્જેકશનનો જથ્થો સળગેલી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાને લઇ બ્લોક હેલ્થ ઓફિસર અંધારામાં છે. આ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની વેક્સિનેશનની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.
માણાવદર આરોગ્ય વિભાગ દ્વારા ગાંધી ચોક ખાતે આવેલી પેટા આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિભાગના કોઈ કર્મચારી દ્વારા વેક્સિનની બોટલ અને ઇન્જેક્શન બા઼ળી નખાયા હતા. એક સમયે કોરોના સામે જંગ લડવા વેક્સિન લેવા માટે પડાપડી થતી હતી અને ત્યારે આ મોંઘીદાટ વેક્સિનની કિંમત આરોગ્ય વિભાગને કંઈ પડી જ ના હોય તેમ કચરામાં બાળવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.ગાંધી ચોકમાં આવેલ પેટા આરોગ્ય કચેરી પાસે એક અવાવરું જગ્યામાં વેક્સિન ઇન્જેક્શન સહિતની દવાઓ બાળી નખાઈ હતી. જો આ કચરામાં રહેલ ઇન્જેક્શન અને વેકિસનની બોટલ ન બળતા કર્મચારીઓનું પાપ છાપરે પોકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેકવાર દવાઓનો જથ્થો પણ બાળવામાં આવ્યો હતો ત્યારે પણ કર્મચારીઓ પણ કોઈ પગલા ન લેવાતા ફરીવાર બાળવાની ઘટના સામે આવી છે ત્યારે તંત્ર શું પગલાં લેશે હર હંમેશની જેમ ભીનું સંકેલશે..?
બ્લોક હેલ્થ ઓફિસરને ખ્યાલ જ નથી!
આ બાબતે બ્લોક હેલ્થ ઓફિસર એલ. ટી. વાજાને પુછતા આ ઘટનાની તેઓને કોઈ ખ્યાલ નથી તપાસ કરીને આપને જણાવું તેમ કહ્યું હતું.
- Advertisement -
ઊંડાણપૂર્વક તપાસ જરૂરી
જે જગ્યોએ જથ્થો બાળવામાં આવ્યો છે. ત્યાંથી કોરોનાની રસીની નાની બોટલ મળી આવી છે જે હજુ ઉપયોગમાં લઇ શકાય તેમ છે. પરંતુ તંત્ર દ્વારા રસી ફેંકી દેવામાં આવી છે. બાળેલા જથ્થાને એફએસએલ કરવામાં આવે તો ઘણું સત્ય બહાર આવે તેમ છે. તેમજ માણાવદરની ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે.


