રાજ્ય સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે કલ્યાણકારી યોજના સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના (એસ એસ એમએસબીવાય) ના ઝડપી રજીસ્ટ્રેશન માટે આઇ.સી.ડી.એસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના બાળ વિકાસ યોજના અધિકારીઓ તેમજ મામલતદારઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી કલેકટરે આઇ.સી.ડી.એસ. કર્મચારીઓ અધિકારીઓ દ્વારા જે ડેટા અપડેટ કરવા માટે આપવામાં આવે તેમાં ઝડપી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
રેશનકાર્ડ ધારકો અને મમતા કાર્ડ નોંધણી અંગેનો ડેટા ઓનલાઇન પોર્ટલ પર નોંધવા માટે મામલતદાર કચેરી અને આરોગ્ય કેન્દ્રો દ્વારા બાકી રહેતી કામગીરીમાં સહાયરૂપ બનવા માટે કલેકટરે માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ જિલ્લામાં આંગણવાડી બહેનો, સુપરવાઇઝર તેમજ સ્ટાફ દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરી અત્યાર સુધીમાં 15 હજાર બહેનો નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. હવે જે સગર્ભા બહેનો કે ધાત્રી માતાઓ એન.એફ.એસ.એ કાર્ડ ધરાવતા હોય પણ મામલતદાર કચેરીમાં નામ ન નોંધાયા હોય તેમજ મમતા કાર્ડ નોંધણી ઓનલાઇન ન થયા હોય તેવા બાકી રહેતા રજિસ્ટ્રેશન ઝડપથી પૂર્ણ કરવા માટે ટીમ વર્કથી કામ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આ નવી શરૂ થઇ રહેલી યોજનામાં 1000 દિવસ સુધી લાભાર્થીઓને લાભ આપવામાં આવશે તે અંગેની માહિતી આપી હતી.



