રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્ચ એન્ડિંગના કારણે માર્કેટિંગ યાર્ડ નવ દિવસ સુધી બંધ રાખવામાં આવશે.
માર્કેટિંગ યાર્ડમાં આગામી 24 માર્ચથી વેકેશન ચાલુ થવાનું છે. જે બાદ 2 એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે અને ખેડૂતો પોતાની જણસ સાથે યાર્ડમાં આવી શકશે. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે ચણા, કપાસ, લસણ, જીરૂ ઘઉં, રાઈ અને રાયડાની મોટા પ્રમાણમાં આવક થઈ હતી, તો ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક થઈ રહી છે. સતત આવકના પગલે માર્કેટિંગ યાર્ડ પણ ઊભરાયા છે.
જો કે આ વચ્ચે હવે નવ દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે. સૌરાષ્ટ્રના આ મોટા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં જણસીની આવક થઇ રહી છે. ત્યારે નવ દિવસ સુધી કામકાજ બંધ રહેવાના કારણ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને પોતાનું ઉત્પાદન આગામી 24 માર્ચ પહેલા અથવા તો 2 એપ્રિલ પછી યાર્ડમાં લઈ જવું પડશે અને તો જ તેઓ વેચી શકશે.દર વર્ષે સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડ 24 માર્ચથી 1 એપ્રિલની આસપાસ સુધી બંધ રાખવામાં આવે છે. માર્ચના હિસાબ-કિતાબને લઈ માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવતો હોય છે. જેની ખેડૂતોને પણ સૂચના આપવામાં આવતી હોય છે.
- Advertisement -
રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક

ધાણાનાં સારા ભાવ મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી
હોળી પૂર્વે જ ખેડૂતો અને વેપારીઓમાં આનંદની હોળી છવાઈ ગઈ છે. ધાણાનું ઉત્પાદન સારું થતાં રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની ગુણીઓ મોટા પ્રમાણમાં ઉતરી છે અને નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ ખેડૂતો-વેપારીઓ સારી કમાણી કરી લીધી છે. વધુમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન થતાં ખેડૂતો અને વેપારીઓને ધાણાનાં ભાવ પણ સારા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યાર સુધીમાં 50 હજાર ગુણીની આવક થઈ છે. હાલ ધાણાના ભાવ 1900 થી 2000 અને ધાણીના ભાવ 2100 થી 2800 છે. યાર્ડમાં ધાણાની આવક વધુ થઈ ગઈ છે તેથી સ્ટોક પૂર્ણ ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક થઈ રહી છે. આજે માર્કેટ યાર્ડ બહાર 1500થી 2000 ધાણા ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે. યાર્ડની બંને તરફ પાંચ-પાંચ કિલોમીટર લાંબી લાઈન લાગી છે. પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ સહિતના અનેક જિલ્લાના ખેડૂતો ગઇકાલ રાતથી જ ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ધાણાનો પાક લઈને પોહોચ્યા હતા.


