પરિવહન સેવાને મજબૂત બનાવવા CT બસ અને BRTSમાં હાથ ધરાયું ચેકિંગ
ગેરરીતિ કરનાર કંડક્ટરોને ટેમ્પરરી કરાયાં સસ્પેન્ડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટવાસીઓની પરિવહન સેવા સુગમ અને સરળ બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાની સી.ટી. બસ અને બી.આર.ટી.એસ. પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી એસ.પી.વી. રાજકોટ રાજપથ લિમિટેડ સચોટ કામગીરી કરી રહી છે. ઉપરાંત કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.હાલ રાજકોટમાં કુલ 46 રૂટ પર 91 સિ.ટી. બસ કાર્યરત છે. જેમાં 7 માર્ચ થી 13 માર્ચ દરમિયાન 1,95,730 લોકોએ સી.ટી.બસ સેવાનો લાભ લીધો હતો. આ ઉપરાંત પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જે સ્ટોપ પર રીપેરીંગની જરૂરીયાત છે ત્યાં રિપેરીંગ કામ શરૂ છે. તેમજ નાગરીકોની જાણકારી માટેનું અદ્યતન ટાઈમ ટેબલ બનાવવાનું આયોજન પણ શરૂ છે.
વધુમાં સી.ટી. બસ સેવામાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ. 1,20,750 અને અલ્ટ્રામોડેન એજન્સીને રૂ.9,200ની પેન્લટી આપવામાં આવી છે. તેમજ સેવામાં ગેરરીતિ આચરનાર કુલ નવ કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એકને કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટીકીટ વગર મુસાફરી કરનાર નવ મુસાફરો પાસેથી અંદાજે રૂપિયા 990નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સી.ટી.બસની જેમ રાજકોટમાં કુલ 18 બી.આર.ટી.એસ. કાર્યરત છે. 7 માર્ચ થી 13 માર્ચ સુધી કુલ 1,46,499 લોકોએ મુસાફરીનો લાભ લીધો હતો. તેમજ બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂપિયા 700ની પેન્લટી પણ ફટકારવામાં આવી છે.


